સુરતઃ દિવાળી વખતે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, ઘર, કેશ પ્રાઇઝ તથા ઘરેણાંનું બોક્સ આપવાની પ્રથા શરૂ કરનાર હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ આજે પોતાના 600 રત્નકલાકારોને કાર બોનસ તરીકે અર્પણ કરી હતી. કારીગરો દ્વારા દર મહિને કરાતાં કામના વધુમાં વધુ 10 ટકા ઇન્સેન્ટિવ ભાગ રાખી તેમાંથી એકત્રિત ફંડ દ્વારા ગાડી અને ઘરની ભેટ અપાતી હોય છે. 5500 કર્મચારીઓને આપવામાં આવેલા બોનસ પૈકી 1875 કર્મચારીઓ અત્યાર સુધી ગાડી મેળવવા એલિજિબલ બન્યા છે.
600 કર્મચારીને કાર અને 900ને એફડી
છેલ્લાં 5 વર્ષથી દિવાળીએ ગાડી અને ઘર સ્વરૂપે બોનસ આપવાની પ્રથા શરૂ કરનાર કંપની હરીકૃષ્ણ ડાયમંડ આ વખતે તેમના 600 રત્નકલાકારો અને કર્મચારીઓને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. જેના માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સહિત હાજરી આપી હતી. કંપનીના માલિક સવજી ધોળકિયાના જણાવ્યાનુસાર, સ્કિલ ઈન્ડિયા ઇન્સેન્ટિવમાં કુલ 1600 રત્નકલાકારો સિલેક્ટ થયા છે. જેમાંથી 600ને કાર અને 900ને એફડી તેમના ઇન્સેન્ટિવની રકમ પ્રમાણે આપવામાં આવી છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર મોરારિબાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, શ્રી શ્રી રવિશંકર દ્વારા પાઠવવામાં આવેલા વીડિયો સંદેશા ઉપસ્થિત શ્રોતાઓને સંભળાવવામાં આવ્યા હતા.
સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધીઃ સવજી ધોળકીયા
સવજી ધોળકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં કંપનીના 4000 રત્નકલાકારોને આ રીતે વિશેષ ઇન્સેન્ટિવ અપાયા છે. કંપનીમાં જે કારીગર જેટલું કામ કરે તેના દસ ટકા પ્રમાણે વધુમાં વધુ 6000 મહિનાનું બોનસ અપાય છે. આ સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધી છે.
4 વર્ષમાં 300 રત્નકલાકારોને મકાન અપાયાં, વધુ 300ને મકાન આપવાની તૈયારી
છેલ્લાં ચાર વર્ષમાં 300 રત્નકલાકારોને મકાન અપાયાં છે અને હજુ 300 મકાનો તૈયાર થઈ રહ્યાં છે. માત્ર 15 લાખની કિંમતમાં ટૂ બેડ રૂમ-હોલ-કિચનનો ફ્લેટ આપવામાં આવે છે. જેમાં 6 હજાર સુધીનો હપતો કંપની રત્નકલાકારના ઇન્સેન્ટિવ પેટેના ચુકવણી કરતી હોય છે.
મંદીની સ્થિતિ છતાં એક કર્મચારી 3 જ વર્ષમાં કાર લેવા એલિજિબલ
ડાયમંડમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. તે હરીકૃષ્ણ ડાયમંડના કર્તાહર્તાએ પણ સ્વીકાર્યું છે. જોકે, મંદીની સ્થિતિમાં પણ તેમની કંપનીને ખાસ અસર નથી થઈ તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, એક કર્મચારી ગ્રેજ્યુએટ થયો અને 3 વર્ષ જ કંપનીમાં કામ કર્યું છે તો પણ તે આ વખતે ગાડી લેવા એલિજિબલ થયો છે.
થોડા દિવસો અગાઉ ચાર કર્મચારીને આપી હતી મર્સિડિઝ
કંપની દ્વારા સુરત ખાતે 25 વર્ષ પૂર્ણ કરનાર 3 કર્મચારીઓને મર્સિડિઝ કાર ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ એક કર્મચારીને મુંબઈ ખાતે મર્સિડિઝ કાર ભેટમાં આપવામાં આવી હતી.
વિશ્વાસુ કર્મચારીઓને બિરદાવાયાઃ સવજીભાઈ
ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, કંપનીમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતાં વિશ્વાસુ અને વફાદાર કર્મચારીઓનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યાં છે. ત્રણેય કર્મચારીઓને કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે. સવજીભાઈએ વધુમાં ઉમેર્યુ હતું કે મને શોખ છે કાર આપવાનો અને એમાં મને આનંદ મળે છે.
આ ત્રણ કર્મચારીઓને મળી કાર
મહેશ ચાંદપરા, મુકેશ ચાંદપરા અને નિલેશ જાડા નામના ત્રણેય કર્મચારીઓને મર્સિડિઝ કાર આપવામાં આવી હતી. કંપનીના ત્રણેય કર્મચારીઓને તેમના પરિવારજનોની હાજરીમાં કાર આપવામાં આવી હતી.
અગાઉ અપાઈ હતી કંપની દ્વારા મોંઘી ભેટ
અગાઉ પણ હરેકૃષ્ણ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને બિરદાવતાં લક્ઝુરિયસ કાર, જ્વેલરી અને મકાન આપવામાં આવ્યાં હતાં. આ અંગે કંપનીના કર્મચારીઓએ જણાવ્યુંહતું કે, કર્મચારીઓના લોયલ્ટી પ્રોગ્રામ અંતર્ગત કર્મચારીઓને દિવાળી પર ભેટ આપવામાં આવતી હોય છે.
ગત વર્ષ કર્મચારીઓને અપાઈ હતી હેલ્મેટ
ગતવર્ષ હરેકૃષ્ણ કંપની દ્વારા તમામ કર્મચારીઓને તથા તેમના પરિવારજનોને હેલ્મેટ આપવામાં આવી હતી. કારણ કે અકસ્માતના બનાવોમાં એક કર્મચારીના મોત બાદ કંપની દ્વારા નક્કી કરાયું હતું કે, અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. જેથી કંપની દ્વારા ગત વર્ષે દિવાળીમાં હેલ્મેટ આપવામાં આવી હતી.
કંપનીનું છે હાઈએસ્ટ ટર્ન ઓવર
જુલાઈ મહિનામાં યોજાયેલા જીજેઈપીસી એવોર્ડ સમારંભમાં કંપનીને સતત પંદરમાં વર્ષે હાઈએસ્ટ ટર્નઓવરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટ સુરેશ પ્રભુના હસ્તે એચકે ડાયમંડને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો