બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના મુંબઈ ઘરની આજે આવકવેરા વિભાગના અધિકારીઓએ ફરી મુલાકાત લીધી છે. આ અગાઉ બુધવારે અભિનેતા સાથે સંકળાયેલી છ મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં તેની ચેરિટી આધારિત ઓફિસ નો પણ સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આઇટી ટીમ સોનુ સૂદના એક સોદાની તપાસ કરી રહી છે, જે તેણે લખનઉની એક રિયલ એસ્ટેટ કંપની સાથે કરી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સોનુ સૂદ અને લખનઉ બેસ્ટ રિયલ એસ્ટેટ ફર્મ વચ્ચેનો સોદો આઇટી ટીમના સ્કેનર પર છે. આ સોદામાં કરચોરીના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઓપરેશનને ‘સર્વે’ કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સોનુ સુદના ઠેકાણાઓ પર આવકવેરાની શોધને પણ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.
સોનુ સૂદ તાજેતરમાં દિલ્હી સરકારના પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કેટલાક લોકો આ છાપોને આ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે સોનુ સૂદ કોવિડ ૧૯ રોગચાળા દરમિયાન ગરીબોને મદદ કરવા અંગે ઘણી ચર્ચામાં હતો. જેના માટે તેને સામાન્ય લોકો તેમજ અનેક સેલિબ્રિટીઝ ના વખાણ મળ્યા છે. એવી અટકળો હતી કે સોનુ સૂદ રાજકારણમાં પ્રવેશવાની તૈયારીમાં છે પરંતુ અભિનેતાએ બહાર આવીને સ્પષ્ટ કર્યું હતું કે તેને રાજકારણમાં જોડાવામાં રસ નથી.