ગાંધીનગરમાં પેથાપુર સ્વામિનારાયણ મંદિર પાસે એક દોઢ વર્ષનું બાળક મળી આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળકને તરછોડીને ચાલ્યા ગયા હોવાની જાણકારી સામે આવી છે. આ ઘટનાને કલાકો પસાર થઈ ગયા હોવા છતાં હજી સુધી તેને કોઈ લેવાના આવતા પોલીસ દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય બાળકને તેના પરિવાર તથા માતા-પિતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર જાણકારી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાત્રીના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો વ્યક્તિ મૂકીને ચાલ્યો ગયો હતો. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે. આ ઘટનાની ગંભીરતાને લેતા સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટોસ મોકલી અને તેના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવાઈ છે.
બાળક મળ્યું હોવાની ઘટના બાબતમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સતત પોલીસના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ પ્રાપ્ત કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી છે. બાળકના પરિવાર દ્વારા મૂકી જનાર વ્યક્તિની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ટીમ બનાવી તેમજ સીસીટીવીના માધ્યમથી તપાસ કરાઈ રહી છે. બાળકને મૂકનાર વ્યક્તિને જલ્દી જ પકડી લેવામાં આવશે. હું ખાતરી આપું છું કે, આરોપીને સજા આપવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે. અત્યારે બાળક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રિક વોર્ડમાં રહેલું છે.