રાજસ્થાનનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ઘટના સામે આવી છે. જેના કારણે ચકચાર મચી ગયો છે. તેમાં ધોરણ-7 માં ભણનાર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાની સરકારી શાળાના 31 વર્ષીય શિક્ષક દ્વારા ધોરણ સાતની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાબતમાં કોઈને ન જણાવવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીને પોતાની ટેક્સ્ટ બુકમાંથી ચાઈલ્ડ હેલ્પલાઈનનો નંબર મળતાં તેના દ્વારા હેલ્પલાઈનને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નરાધમ શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ધોરણ સાતની વિદ્યાર્થિના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર-5 ના રોજ શાળાનો સમય સમાપ્ત થયા બાદ શિક્ષક દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની સાથે જ આ અંગે કોઈને ન જણાવવાની ધમકી પણ આપી હતી. તેમ છતાં 7 દિવસ સુધી માસૂમ ચૂપચાપ રહી હતી. જ્યારે ગુરુવારના તેને ચોપડીમાંથી ચાઈલ્ડ હેલ્પલાઈનનો નંબર મળી આવ્યો અને બાદમાં તેણે હેલ્પલાઈનને ફોન કરી દીધો હતો અને દુષ્કર્મ અંગે જાણ પણ કરી દીધી હતી. એક નામી ન્યુઝ ચેનલના મુજબ, ફોન કોલ બાદ ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યો પીડિતાના ઘરે પહોંચી ગયા હતા.
ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યો દ્વારા આ બાબતમાં જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. પીડિતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી શિક્ષક તેને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલી રહ્યા હતા. આ સિવાય તેમણે કહ્યું છે કે, દુષ્કર્મ બાદ શિક્ષક દ્વારા તમામ ફોટોસ અને મેસેજ ડિલિટ મારી દેવામાં આવ્યા હતા.
આ બાબતમાં સિંગાણાના પોલીસ ઓફિસર ભજન રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગુરુવારની સાંજના આરોપી શિક્ષકને તેના અલવર જિલ્લા સ્થિત ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. આ સિવાય ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી શિક્ષણ સાથે સંકળાયેલ પરિવારમાંથી છે અને તેની પત્ની પણ અન્ય જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે.