સુરતઃ સુરત આયુષ્યમાન ભારત યોજના હેઠળ શહેરમાં ભીમપોરની વૃદ્ધાનું પ્રથમ હ્રદયરોગનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હૃદય રોગની બીમારીથી પીડાતી ભીમપોરની વિધવા અને નિરાધાર વૃદ્ધા માટે આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. આ ઓપરેશનનો સામાન્ય રીતે ખર્ચ 2.25 લાખ સુધી થાય છે પરંતુ તેમણે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો નથી. ચંદ્રાબેનની સારવાર દરમિયાન રૂ.51 હજાર જમા કરાવ્યા હતા તે પણ હોસ્પિટલમાંથી પરત આપી દેવામાં આવ્યા છે.
આયુષ્યમાન યોજના હેઠળ શહેર જિલ્લામાંથી કુલ 3.84 લાખ લાભાર્થીઓ લાભ લઈ શકશે. હાલ આ લાભાર્થીઓનું વેરીફિકેશન તેમજ કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના છેવાડે આવેલા ડુમસના ભીમપોર ગામ ખાતે જુના મહોલ્લામાં રહેતા ચંદ્રાબેન ગમનભાઈ ખલાસી(60) નિવૃત્ત જીવન વિતાવે છે. તેમના પતિનું આશરે 15 વર્ષ અગાઉ નિધન થઈ ગયુ છે. તેમજ સંતાનમાં માત્ર એક પુત્રી છે જેના લગ્ન થઈ ગયા છે. એકલા રહેતા ચંદ્રાબેનને છાતીમાં દુ:ખાવાને કારણે પીઠના ભાગે પણ દુ:ખાવો થતો હતો. અચાનક પરસેવો વળવા માંડતો હતો. જેથી તેમણે પ્રાઈવેટ ક્લીનીકમાં બતાવ્યું હતું. જ્યાંથી તેમને પ્રભુ જનરલ હોસ્પિટલમાં બતાવવાની તબીબે સલાહ આપી હતી.
પ્રભુ જનરલ હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમને હાર્ટમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. જોકે સારવારનો ખર્ચ લાખોમાં હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે ભીમપોર ગામ ખાતે જ રહેતા સામાજીક કાર્યકર ડાયાભાઈ ખલાસી અને અરૂણભાઈ ખલાસી મદદ માટે આગળ આવ્યા હતા. પહેલા મિત્રોએ રૂપિયા એકઠા કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ સારવાર માટે મોટી રકમની જરૂરીયાત હોવાથી પહેલા મા અમૃતમ કાર્ડ કઢાવવાનો વિચાર આવ્યો હતો. જોકે ચર્ચા દરમિયાન જ કોઈકે આયુષ્યમાન ભારત યોજનાની યાદ અપાવી હતી.
જેથી ચંદ્રાબેનના રેશન કાર્ડ અને આધાર કાર્ડની મદદથી ચેક કર્યુ ત્યારે તેમનું નામ યાદીમાં હોવાનું સામે આવ્યું હતું. આયુષ્યમાન ભારત યોજનાના લાભ હેઠળ ઓપરેશન માટે હોસ્પિટલમાં જાણ કરવામાં આવી ત્યારે હોસ્પિટલમાંથી ગાંધીનગરથી એપ્રુવલ લેવામાં આવ્યું હતું. બે દિવસમાં એપ્રુવલ આવી જતા ગઈ તા.10 ઓક્ટોબર અને 11 ઓક્ટોબરના રોજ પ્રભુજનરલ હોસ્પિટલમાં તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. તેમને સ્ટેન્ટ બેસાડવામાં આવી હતી. રજા પણ આપી દેવામાં આવી છે. ચંદ્રાબેનને સારવાર માટે લઈ જનાર ડાયાભાઈએ જણાવ્યું હતું કે ચંદ્રાબેનની સારવાર દરમિયાન અમે રૂ.51 હજાર જમા કરાવ્યા હતા તે પણ હોસ્પિટલમાંથી પરત આપી દેવામાં આવ્યા છે.
સરકારની યોજનામાં મારી સારવાર થઈ ગઈ. રૂ. 5 લાખ સુધીનો ખર્ચ આ યોજના હેઠળ મળે છે. બાકીનો ખર્ચ હું ફરી સારવાર કરાવું તો કરી શકું છે. હું સરકારનો ખુબ આભાર માનું છું. – ચંદ્રાબેન ખલાસી
માંડવીના મધુરકુંઈ ગામ ખાતે રહેતા ધવલ ગામીત(17)ને જન્મથી વાલ્વની બીમારી હતી. તેને ચાલવામાં તકલીફ થતી હતી અને શ્વાસ ચઢતો હતો. શાળામાં કેમ્પ દરમિયાન હૃદયની બીમારી હોવાની જાણ થઈ હતી. જોકે ઓપરેશનનો ખર્ચ મોટો હોવાથી ઓપરેશન કરી શકે તેવી પરિવારની સ્થિતિ ન હતી.ધવલનું ગઈ તા.2 નવેમ્બરના રોજ મહાવીર હોસ્પિટલમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.