ભારતની મોડેલ હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. 21 વર્ષીય હરનાઝને 70મી મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધા ઇઝરાયલના ઇલાટમાં યોજાઈ હતી. મિસ યુનિવર્સનો તાજ 21 વર્ષ બાદ ભારતને સોંપવામાં આવ્યો છે. હરનાઝ પહેલા લારા દત્તાએ 2000માં આ ખિતાબ જીત્યો હતો.
હરનાઝ કૌર સંધુએ પેરાગ્વે અને સાઉથ આફ્રિકાની મોડેલોને હરાવીને મિસ યુનિવર્સનો તાજ જીત્યો. હરનાઝ સંધુને મેક્સિકોની મિસ યુનિવર્સ 2020 એન્ડ્રિયા મેઝાએ તાજ પહેરાવ્યો હતો. જ્યારે વિજેતા તરીકે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સંધુ રડી પડી હતી. તાજ પહેરવાનો તેનો આનંદ જોવા જેવો હતો. હરનાઝ સંધુના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હરનાઝ પણ તેની જીત બાદ ‘ચક દે ફટટે ઇન્ડિયા’ બોલતી જોવા મળે છે.
સ્પર્ધાના ટોચના ત્રણ રાઉન્ડમાં હરનાઝ કૌર સંધુને યજમાન સ્ટીવ હાર્વેએ સવાલ કર્યો હતો કે, “દૈનિક પ્રેશરનો સામનો કરવા માટે આજે તમે યુવતીઓને શું સલાહ આપવા માંગો છો?”
તેના જવાબમાં હરનાઝે કહ્યું હતું કે, “આજે યુવાનો જે સૌથી મોટા પ્રેશરનો સામનો કરી રહ્યા છે તે તમારી જાત પર વિશ્વાસ કરવો. તમે અલગ છો અને તે જ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનુ બંધ કરો અને વિશ્વમાં બનતી આવશ્યક બાબતો વિશે વાત કરો. બહાર આવો અને તમારા માટે વાત કરો, કારણ કે તમે તમારા જીવનના લીડર છો. તમે જ તમારો અવાજ છો. હું મારી જાત પર વિશ્વાસ કરું છું, તેથી જ હું આજે અહીં ઊભી છું.”