નવી દિલ્હી: ‘કિસાન ક્રાંતિ યાત્રા’માં દિલ્હીની સરહદે ખેડૂતોના આંદોલને ઉગ્ર રૂપ ધારણ કરી લીધું છે. ખેડૂતોના આંદોલનને રોકવા માટે કેન્દ્ર અને યુપી સરકારના પ્રયાસોને પણ અત્યાર સુધી કોઈ સફળતા નથી મળી. દિલ્હી-યુપી સરહદ પર ખેડૂતો સાથે થયેલી વાતચીતમાં કેન્દ્ર સરકારે તેમની માગો પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું, પરંતુ ખેડૂતોએ તેને ફગાવી દીધું છે. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે તેમનું આંદોલન ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રવેશવા મક્કમ ખેડૂતોને દિલ્હી-યુપી સરહદ પર રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો છે. ખેડૂતો પર ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. તેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ સરકારને નિશાના પર લીધી છે. દિલ્હી પોલીસે પોતાના બચાવમાં કહ્યું કે, ખેડૂતોનું એક ગ્રુપ હિંસક થઈ ગયું હતું. પોલીસકર્મીઓને ઈજા થઈ, તે પછી ઓછામાં ઓછા બળનો પ્રયોગ કરવો પડ્યો.
કેન્દ્ર અને યુપી સરકારે ખેડૂતોના ઉગ્ર થતા જઈ રહેલા આંદોલનને નિયંત્રિત કરવા માટે બેઠક અને વાતચીતના તમામ પ્રયાસો કર્યા છે. આ ક્રમમાં કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને યુપી સરકારના મંત્રી સુરેશ રાણા ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. ગજેન્દ્ર શેખાવતે ખેડૂતો સાથે મુલાકાત બાદ સરકાર તરફથી ખેડૂતોની માંગો પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું. જોકે, કેન્દ્રિય રાજ્યમંત્રીના આ આશ્વાસનની અસર થતી જોવા નથી મળી. આ આશ્વાસન અપાયા બાદ તરત જ ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકેતએ કહ્યું કે, ખેડૂતો સરકારના આશ્વાસનને સ્વીકાર નહીં કરે. તેમણે કેન્દ્ર સરકારને ચેતવી કે તે પોતાનું આંદોલન ચાલુ રાખશે.
ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું કે, સરકાર સાથે 11 સૂત્રીય માગોને લઈને વાત થઈ. સરકાર 7 માંગો પર સંમત છે, પરંતુ હજુ સુધી 4 માંગો પર સંમતિ નથી વ્યક્ત કરી. પ્રવક્તા મુજબ, સરકારે કહ્યું કે, આ માંગો નાણાંકીય બાબતો સાથે જોડાયેલી છે, જેના પર આગળ યોજાનારી બેઠકમાં વિચાર કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે ખેડૂતોની મુખ્ય માંગો પર પોતાનો પક્ષ સ્પષ્ટ નથી કર્યો.
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘કિસાન ક્રાંતિ યાત્રા’ને રોકવા માટે ખેડૂતો પર કથિત રીતે બળ પ્રયોગ કરવાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે, ‘ખેડૂતોની નિર્દયી પીટાઈ’થી ભાજપે પોતાના ગાંધી જયંતી સમારંભની શરૂઆત કરી છે. ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘વિશ્વ અહિંસા દિવસ પર ભાજપનો બે-વર્ષીય ગાંધી જયંતી સમારંભ શાંતિપૂર્વક દિલ્હી આવી રહેલા ખેડૂતોની બર્બર પિટાઈથી શરૂ થયો.’ તેમણે કહ્યું કે, ‘હવે, ખેડૂતો દેશની રાજધાની આવીને પોતાનું દુઃખ પણ સંભળાવી નથી શકતા.’
કેન્દ્રિય રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ખેડૂતો સાથે મુલાકાત પહેલા ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) પ્રેરિત ખેડૂત આંદોલનને રાજકારણથી પ્રેરિત જણાવ્યું. શેખાવતે કહ્યું કે, ‘તેની પાછળ એક કારણ છે. કેમકે ચૂંટણીનું વર્ષ છે… એટલે ઘણા લોકોના અલગ-અલગ હેતુ છે. આ જ તેનું એકમાત્ર કારણ છે. નહીં તો, દેશભરના ખેડૂતો મોદી સરકારથી ઘણા સંતુષ્ટ અને આભારી છે.’