હિંમતનગરના ઈલોલમાં દોઢ વર્ષનો રાહુલ બોરવેલમાં મોતને ભેટ્યો, અંદર જ દફનનિધિ

હિંમતનગરઃ ઇલોલ ગામની સીમમાં સોમવારે સાંજે રમતાં રમતાં દોઢ વર્ષનો રાહુલ ઊંડા 200 ફૂટ બોરમાં પડી ગયો હતો. તેને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ તેને બચાવી શકાયો ન હતો. આખરે પરિવારે તેને બોરવેલમાં જ અંતિમવિધિ કરી હતી. રાહુલ 6 ઇંચના નિષ્ફળ ગયેલા બોરમાં 60 ફૂટે ફસાયો હતો. તેને રેસ્ક્યુ કરી બચાવી લેવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન જ તેનું નિધન થયું હતું.

બધી જ તૈયારીઓ કરાઈ હતી

રાહુલને બચાવવા માટે અમદાવાદથી ફાયરની સ્પેશિયલ ટીમ પણ બોલાવાઇ હતી. બાળકને ઓક્સિજન મળી રહે તે માટે બોરમાં ઓક્સિજનની પાઇપો ઉતારાઇ હતી. વહિવટી તંત્ર દ્વારા દોઢ વર્ષના રાહુલને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ તેને બચાવવામાં સફળતા મળી ન હતી.

ઇલોલની સીમમાં સોમવારે સાંજે બનેલી ઘટનાથી દોડધામ

હિંમતનગરથી દસેક કિમી દૂર ઇલોલ ગામના હાસમભાઇ ઈસ્માઇલભાઇ વિજાપુરાના મહેરપુરા રોડ પર આવેલા ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા કમલેશભાઇ ભૂરાભાઇ બામણીયા સોમવારે સાંજના કામ અર્થે ગામમાં ગયા હતા અને તેમની પત્ની રસોઇ બનાવતી હતી. આ સમયે તેમના ત્રણ બાળકો નજીકમાં રમતા હતા. સાંજે છ વાગ્યાના સુમારે ત્રણ બાળકો પૈકી દોઢ વર્ષનો રાહુલ રમતાં રમતાં ખુલ્લા બોરમાં સરકી ગયો હતો. ભાઇ બોરમાં પડી જતાં બંને બાળકોએ માતાને જાણ કરી હતી અને ત્યાર બાદ ગામમાં ખબર પડતા તંત્રને જાણ કરાઇ હતી.

અંધારું થઇ જતાં કામગીરીમાં વિક્ષેપ

ડીઝાસ્ટર વિભાગના ડીપીઓ કનુભાઇ પટેલે જણાવ્યું કે, હિંમતનગર ફાયરબ્રિગેડ, 108, આરોગ્યની ટીમ, પોલીસ, મામલતદાર, ટીડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળકને ઓક્સિજન મળી રહે તે માટે બોરમાં પાઇપો ઉતારાઇ છે. ડીઝાસ્ટર વિભાગ દ્વારા અંધારું થઇ ગયું હોવાથી લાઇટોની વ્યવસ્થા કરી હતી.

રડવાનો અવાજ બંધ થઇ ગયો

બાળક બોરમાં પડી જતાં માતા હતપ્રભ બની ગઇ હતી અને સૂનમૂન બેસી રહી હતી. રાહુલના પિતા કમલેશભાઇએ જણાવ્યું કે, ઘટના સમયે તે તેના બે ભાઇ-બહેન સાથે રમી રહ્યો હતો. હિંમતનગર ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યું કે, અમે પહોંચ્યા ત્યાં સુધી બાળકના રડવાનો અવાજ ઓવતો હતો. 60થી 70 ફૂટના અંતરે તેનું માથું દેખાતું હતું. અત્યારે રડવાનો અવાજ આવતો નથી, મૂવમેન્ટ જણાય છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here