કોંગ્રેસના સંગઠનમાં થશે ફેરફાર; ત્રણ MLA દિલ્હીમાં અહેમદ પટેલને મળ્યા

કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સમાચાર વચ્ચે ત્રણ ધારાસભ્યોએ દિલ્હી ખાતે જઈને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર મનાતા તેમજ કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ અંગે બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોરે માહિતી આપી હતી. બીજી તરફ એવી પણ વાત ચાલી છે કે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની નારાજગીને લઈને સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે.

પાર્ટી સામે કોઈ નારાજગી નથીઃ ભરત ઠાકોર

બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે જણાવ્યું કે, “હું, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા દિલ્હી ખાતે અહેમદ પટેલ અને રાજીવ સાતવને મળ્યાં હતા. અમે કોંગ્રેસ પાર્ટીની સિસ્ટમ સામે અમારી નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટી સામે અમને કોઈ જ નારાજગી નથી. અમે રજુઆત કરી હતી કે સમાજના યુવાનોનું માન જાળવવામાં આવતું નથી. સાથે જ બંને નેતાઓ તરફથી અમને આ અંગે સુખદ નિવેડો આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.”

અમે બીજેપીમાં નથી જઈ રહ્યા

ભરત ઠાકોરે વધુમાં કહ્યુ કે, “સોશિયમ મીડિયામાં એવી અફવા આવી હતી કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે. પરંતુ અમે ક્યાંય નથી જવાના. અમે પક્ષમાં જ રહીને સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરીશું. અમે સિસ્ટમ બદલવા માટેની રજુઆત કરી હતી. એવી પણ વાત ચાલી હતી કે અમે રાહુલ ગાંધીને મળ્યા વગર જ પરત ફર્યા હતા. અમે ફક્ત રાજીવ સાતવ અને અહેમદ પટેલને જ મળવા ગયા હતા, રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે અમે સમય માંગ્યો ન હતો. અમને કોંગ્રેસ પાર્ટીએ ઘણું આપ્યું છે. અમે પક્ષ સાથે ગદ્દારી નથી કરવાના.”

સંગઠનમાં થશે ફેરફાર

ગુજરાત કોંગ્રેસમાં હાલ પ્રવર્તી રહેલી નારાજગી મુદ્દે આગામી દિવસોમાં સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ જરૂરી ફેરફાર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પરિણામલક્ષી કામ ન કરતા નેતાઓની છૂટ્ટી કરવામાં આવશે, તેની સામે નવા નેતાઓને સ્થાન મળશે. આ માટે સંગઠનમાં 10 ટકા નેતાઓની બદલી કરવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

લોકસભા જીતવા માટે કરાશે ફેરફાર

મળતી માહિતી પ્રમાણે જનમિત્ર અને શક્તિ પ્રોજેક્ટમાં ટાર્ગેટ પૂર્ણ ન કરી શકનાર હોદ્દેદારોના પત્તા કપાશે. હાલ પ્રદેશ કોંગ્રેસનાં માળખામાં 392 હોદ્દેદારો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી જીતવા માટે જિલ્લાનું માળખુ બદલવાની માંગ ઉઠી હતી. સંગઠનમાં યોગ્ય વ્યક્તિઓનો સમાવેશ ન કરાયો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top