પોલીસે કારના કાચ તોડીને ‘બાળક’ને બચાવ્યું, પરંતુ તેને ઉંચકતા જ ચોંકી ઉઠયાં!

આપણે ઘણીવાર એવી ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે કારની અંદર લૉક થવાને કારણે કોઈનું મૃત્યુ થયું હોય. એટલે જ આપણે પણ બધાને સલાહ આપતા હોઈએ છીએ કે કારની અંદર બાળકને એકલા ન મૂકવું જોઈએ. ત્યારે હાલમાં જ ઈંગ્લેન્ડમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

વાત એમ છે કે અહીં પાર્ક કરેલી એક કારમાં પોલીસકર્મીઓએ એક નાની બાળકી જોઈ. પોલીસે આ માસૂમ બાળકીને પાર્ક કરાયેલી આ કારમાંથી બચાવવા માટે તેના કાચ તોડી નાખ્યા હતા. પણ જ્યારે તેને ખોળામાં ઊંચકી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

એક માહિતી અનુસાર ઈંગ્લેન્ડના થોર્નાબેમાં રહેતી 36 વર્ષીય એમી મેકેક્વીલેન તેની દીકરી ડાર્સી સાથે શોપિંગ કરવા ગઈ હતી. ડાર્સી પાસે એલિયટ નામની એક ઢીંગલી છે, જેનો ચહેરો એકદમ જ માણસોના ચહેરા જેવા દેખાય છે. આ ઢીંગલી સાથે રમીને થાક્યા પછી, ડાર્સીએ ઢીંગલીને કારમાં પાછી મૂકી દીધી. આ પછી માતા અને દીકરી સાથે ખરીદી કરવા ચાલ્યા ગયા.

જ્યારે એમી તેની દીકરી સાથે ખરીદી કરીને થોડીવાર પછી પાછી આવી ત્યારે તેણે જોયું કે ત્યાં ઘણી ભીડ છે. કેટલાક પોલીસકર્મીઓ પણ આસપાસ ઉભા છે અને કારનો કાચ તૂટેલો છે. પોલીસે કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ જ્યારે તેઓ કાર પાસે પહોંચ્યા અને કારમાં જોયું કે અંદર બાળકી બેઠી છે. એટલા માટે તેઓએ તરત જ કાચ તોડી નાખ્યો, જેથી બાળકીને બચાવી શકાય. પરંતુ હકીકતમાં બન્યું એવું હતું કે ત્યાં હાજર પોલીસકર્મીઓએ ભૂલથી ઠીંગલીને બાળકી સમજી લીધી.

એમીએ આ દ્રશ્ય જોયું કે તરત જ તેના હોશ ઉડી ગયા. તેણે કહ્યું કે તેણે આ ઢીંગલી ડાર્સી માટે ભેટ તરીકે ખરીદી હતી. ભલે આ ઢીંગલી બાળકી જેવી દેખાય છે પણ મને ખ્યાલ નહોતો કે કોઈ તેને સાચે જ બાળકી સમજી લેશે. જો કે, પોલીસે પોતાની ગેરસમજ માટે બધાની સામે એમીની માફી માંગી અને તેની ગાડીના કાચ તોડવા બદલ તેઓ 26 હજાર રૂપિયા ચૂકવશે.

Scroll to Top