અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં શરૂ થયેલા ખેડૂતોના આક્રોશનો વેગ સરકારના સકારાત્મક પ્રતિભાવથી ઠંડો પડ્યો છે. ખેડૂતોની માગને સરકારે સ્વીકારી છે અને 200 કિમીની પગપાળા યાત્રા પછી મુંબઈ પહોંચેલા ખેડૂતોને તેમણે આશ્વાસન આપીને ભરોસો અપાવ્યો છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે ખેડૂતોના નેતા સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હવે પછીના છ મહિનામાં ખેડૂતોની તમામ સમસ્યાઓને દૂર કરવામાં આવશે. લગભગ ત્રણ કલાક ચાલેલી આ મિટીંગમાં ખેડૂતોની માંગણીઓ વિશે ચર્ચા કરીને તેના પર વાતાઘાટો કરવામાં આવી હતી. સરકાર ખેડૂતોની માંગણી સાથે સહમત થઈ છે અને લગભગ હવે એવો એકપણ મુદ્દો નથી કે જેના કારણોસર આંદોલન આગળ વધારી શકાય. ખેડૂતોની લગભગ 12થી 13 માંગણીઓ સાથે સરકાર સહમત થઈ છે હવે વિધાનસભામાં મંત્રીઓની સમિતિ અને અધ્યક્ષો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ફક્ત મહારાષ્ટ્રના ખેડૂતોની નહીં પણ આખા દેશના ખેડૂતોની માગ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી વાહનવ્યવ્હાર ન રોકવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોના પક્ષમાં સમર્થન આપતા જણાવ્યું હતું કે તેમની માંગણીઓ પર ચર્ચા માટે અમે એક કમિટી બનાવી છે. જેની ખેડૂતોના નેતા સાથે વાતચીત કરવામાં આવશે.