મુંબઈઃ મહારાષ્ટ્રના લગભગ 30 હજાર ખેડૂતો મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયા છે. દેવું માફ કરવા સહિતની વિવિધ માંગોને લઈને નાસિકથી પગપાળા ખેડૂતો સોમવારે સવારે વિધાનસભા પહોંચીને ત્યાં પ્રદર્શન કરશે. ખેડૂતોને નિયંત્રિત કરવા માટે 45 હજાર પોલીસ બળ ઉતારવામાં આવ્યું છે. આ સિવાય SRP અને રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરાઈ છે.
જણાવી દઈએ કે મુંબઈમાં બાળકોની પરીક્ષાને જોતા ખેડૂતોએ 11 વાગ્યા પછી પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. આ બધાની વચ્ચે ખેડૂતોના ઘેરાવા અને 1993ના બોમ્બ બ્લાસ્ટની 25મી વરસીને જોતા મુંબઈ અને આસપાસમાં સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી છે.પોલીસની કોશિશ છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વિધાનસભાથી 2 કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવે. બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત નેતાઓ સાથે વાતચીત આમંત્રણ આપ્યું છે. આ ખેડૂતો આજે નેતાઓ સાથે પોતાની માંગોને લઈને ચર્ચા કરવાના છે.
મુખ્યમંત્રીના દૂતના સ્વરુપમાં પાણી પૂરવઠા મંત્રી ગિરીશ મહાજને વિક્રોલીમાં ખેડૂતોનું સ્વાગત કર્યું. નાસિકથી વિશાળ સંખ્યામાં આવેલા ખેડૂતોને મહાજને આશ્વસ્ત કર્યા હતા કે મુખ્યમંત્રી નેતાઓ સાથે વાત કરવા માટે તૈયાર છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર લેખીતમાં આશ્વાસન નહીં આપે, ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં જાય અને માંગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભાનો ઘેરાવો કરી રાખશે. ગિરીશ મહાજન સાથે બેઠકમાં ખેડૂત નેતા અજીત નવલે, અશોક ઢવલે, શેકાપ કે જયંત પાટીલ, કપિલ પાટીલ અને જીવા ગાવિતનો સમાવેશ થાય છે.
આ પહેલા નાસિકથી શરુ થયેલી રેલી રવિવારે મુંબઈમાં દાખલ થઈ. ખેડૂતોથી ગભરાયેલી સરકારે ડેમેજ કંટ્રોલની દિશામાં ઝડપથી પગલું ભર્યું છે. મુખ્યમંત્રીની ખેડૂતો સાથેની ચર્ચા પહેલા કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરને અકોલાથી તત્કાળ મુંબઈ આવવાનો નિર્દેશ કર્યો છે. રવિવારે રાત્રે ખેડૂતોના મુદ્દે ભાજપ સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે.