બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્ચું છે. આ વખતે તેણે ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર લાગેલા દુષ્કર્મના આરોપો અંગે મોદી સરકારની આકરી નિંદા કરી છે.
રિચાએ કેન્દ્રની મહત્વકાંક્ષી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના પર કટાક્ષ કર્યો છે. તેણે ટ્વીટ કરી કે, ‘પ્રિય સરકાર કૃપા કરીને તમે ‘બેટી બચાઓ’ નું સ્લોગન બદલીને ‘બેટી અમારાથી જ બચાવો’ કરી નાંખો. તમારા ધારાસભ્ય જ તમારા નારાની મજાક બનાવી રહ્યાં છે. પીડિતાના પિતાની જેલમાં હત્યા કરી દેવાઈ. હિન્દુ હોવાના દાવા ન કરો, કારણ કે તમે મહિલાને દેવીની નજરે જોતા નથી. એવામાં આ પાખંડને બંધ કરો.’
આ પહેલીવાર નથી જ્યારે એક્ટ્રેસે મોદી સરકારને નિશાને લીધી હોય. આ અગાઉ તેણે લોકશાહીમાં વિચાર અને અભિવ્યક્તિની બાબતે સરકારની આલોચના કરી હતી. તેણે ત્યારે કહ્યું હતું કે, આજે રાજ કરવાની રીત કંઈક એવી છે કે, કોઈ ભૂખ્યું હોય તો તેને રાષ્ટ્રગાન ગાવાનું કહેવામાં આવે છે. લોકશાહીનો મતલબ એવો નથી કે, જે ફાવે, જેમ ફાવે બોલી શકો. આમા, સરકાર તમને જવાબ આપવા માટે બંધાયેલી છે. તેણે લોકશાહીમાં લોકો ડરેલા હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે યુપીના બાંગરમાઉ (ઉન્નાવ)ના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર (ભાજપ) પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના પિતાને અન્ય એક કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમનું જેલમાં મૃત્યુ થઈ ગયું હતું. આના પહેલા તેમણે ધારાસભ્ય અને તેમના સાથીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
પિતાની હત્યા બાદ પીડિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પર રાજનૈતિક વાતાવરણ ગરમ થતા સંબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ભાજપના ધારાસભ્યના ચાર સમર્થકોની અરેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પીડિતાનો આરોપ છે કે, દુષ્કર્મની ઘટના ગત વર્ષે બની હોવા છતા પોલીસ દબાણને કારણે કોઈ કાર્યવાહી કરી રહી નથી. બીજી તરફ કુલદીપ સેંગરે આને પોતાની બદનામી કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.