દેશની રક્ષા કરનાર સૈનિકોને છેવટે લાંબી રાહ જોયા પછી બુલેટ પ્રુફ જેકેટ મળવા જઇ રહ્યા છે. સેનાની તરફથી 9 વર્ષ પહેલા રક્ષા મંત્રાલયને બુલેટ પ્રુફ જેકેટ આપવાની માંગણી કરવામાં આવી હતી. સોમવારે આ મામલે રક્ષા મંત્રાલયે પોતાની મંજૂરી આપી છે.
રક્ષા મંત્રાલયે આ માટે 639 કરોડના ખર્ચે 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટ ખરીદ્યા હતા. સોમવારે એક રક્ષા કંપની સાથે આ મામલે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાશ્મીર જેવી જગ્યાઓમાં જ્યાં સૈનિકોને અવારનવાર આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં ઉતરવું પડે છે ત્યારે આવા જેકેટના કારણે આપણા સૈનિકોના પ્રાણ બચવામાં સરળતા ચોક્કસથી રહેશે. અને આવા બુલેટ જેકેટ આપણા સૈનિકો માટે વરદાનરૂપ રહેશે. ત્યારે જાણો આ જેકેટની ખાસિયત.
મેક ઇન ઇન્ડિયા
રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કરારમાં સફળ ફિલ્ડ પરીક્ષણો પછી તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. કરારમાં રક્ષા ઉત્પાદક એસએમપીપી પ્રાઇવેટ લિમિટેડને આ કામ સોંપવામાં આવ્યું છે. આ કરાર મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા યોજના હેઠળ કરવામાં આવ્યો છે. આ કરાર દ્વારા ગૃહ ઉદ્યોગોને વધારવાની દિશામાં મોટા પગલાં સમાન માનવામાં આવે છે.
2009 થી હતી માંગ
સરકારે તે વાતનો સ્વીકાર કર્યો છે કે વર્ષ 2009માં જ સેનાને 1.86 લાખ બુલેટ પ્રુફ જેકેટની જરૂર હતી. પણ તે પૂર્ણ નહતી થઇ શકી. જેકેટ માટે સેના દ્વારા કરવામાં આવેલા ટ્રાયલમાં કોઇ પણ કંપનીના બુલેટ પ્રુફ જેકેટ યોગ્ય પૂરવાર નહતા થયા. જેના કારણે તે સમયે જેકેટની ખરીદી શક્ય નહતી બની. નવા જેકેટમાં સુપૂર્ણ રીતે અત્યાધુનિક હોવા અને સાથે જ જવાનના શરીરને વધુમાં વધુ કવર આપે તેવા હોવું જરૂરી હતી.
કેટલા જેકેટ મળશે ?
રક્ષા મંત્રાલયના નિવેદન મુજબ 1,86,138 બુલેટ પ્રુફ જેકેટ ખરીદવામાં આવશે. આ માટે એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ જેકેટ મામલે રક્ષા મંત્રાલયનો તેવો દાવો છે કે નવા બુલેટપ્રુફ જેકેટમાં લડાઇ દરમિયાન સૈનિકોને 360 ડિગ્રી સંરક્ષણ આપવામાં આવશે. અને તેમાં હાર્ડ સ્ટીલ કોર બુલેટથી પર સંરક્ષણ સામેલ છે.