કન્યાકુમારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીના પ્રવાસે છે. તેઓ 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમાં રહેશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનનો એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં પીએમ મોદી ભગવા ઝભ્ભા અને ખેસમાં જોવા મળી રહ્યા છે. તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે બેસીને ધ્યાન કરી રહ્યા છે. તેમના હાથમાં માળા છે અને ઓમનો નાદ ગુંજી રહ્યો છે.
આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે, આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એવું માનવામાં આવે છે કે, દેવી પાર્વતીએ આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને ધ્યાન કર્યું હતું.
પીએમ મોદી ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા હતા. વડાપ્રધાન દક્ષિણ ભારતના પરંપરાગત પોશાકમાં ધોતી પહેરીને જોવા મળ્યા હતા. તેમણે ઓફ-વ્હાઈટ રંગની શાલ પહેરેલી હતી. કન્યાકુમારી પહોંચ્યા બાદ ભગવતી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. સામાન્ય ચૂંટણી પ્રચારના અંત પછી પીએમ મોદી દરેક વખતે આધ્યાત્મિક યાત્રા પર જાય છે અને 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા અને વર્ષ 2014માં તેઓ શિવાજી મહારાજ સાથે સંબંધ ધરાવતા પ્રતાપગઢ ગયા હતા.
અહીં તેમણે ભારત માતાના દર્શન કર્યા હતા. વિવેકાનંદે સામાન્ય લોકોની વેદના, પીડા, ગરીબી, સ્વાભિમાન અને શિક્ષણના અભાવ વિશે નજીકથી જાણ્યું હતું. વિવેકાનંદ 24 ડિસેમ્બર 1892ના રોજ સ્વિમિંગ કરીને બીચથી લગભગ 500 મીટર દૂર સ્થિત ખડક પર પહોંચ્યા હતા. તેમણે 25થી 27 ડિસેમ્બર સુધી આ શિલા પર ધ્યાન કર્યું હતું. તેમણે અહીં ભારતના ભવિષ્ય માટે વિકસિત ભારતનું સપનું જોયું. આ એ જ જગ્યા છે જ્યાં તેમણે ભારત માતાના દર્શન કર્યા હતા. આ સ્થાન પર જ તેમણે બાકીનું જીવન લોકો માટે સમર્પિત કરવાનું સ્વપ્ન જોયું હતું. વિવેકાનંદ ખડક પર વિવેકાનંદ સ્મારક બનાવવા માટે ઘણો સંઘર્ષ થયો હતો. એકનાથ રાનડેએ તેમાં મોટી ભૂમિકા ભજવી હતી.
PM મોદીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 183 રેલીઓ અને રોડ શો કર્યા હતા. હવે સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. પીએમ મોદીએ ભાજપને ફરી એકવાર સત્તામાં લાવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ 16 માર્ચે કન્યાકુમારીથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. છેલ્લા 75 દિવસમાં વડાપ્રધાને 183 ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટણી રેલી અને રોડ શોનો સમાવેશ થાય છે. આ સિવાય પીએમ મોદીએ વિવિધ મીડિયા સંસ્થાઓને લગભગ 80 ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા, જેમાં તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધર્મના આધારે આરક્ષણ, સીએએ, અયોધ્યામાં રામ મંદિર અને કલમ 370 જેવા વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોને ઘેરવામાં આવ્યા હતા.
કન્યાકુમારી ઘણી રીતે ખાસ છે
કન્યાકુમારી ઘણી રીતે ભારત માટે ખાસ છે. આ જગ્યાએ ભારતનો પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારો મળે છે. અહીં અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડી મળે છે. એક રીતે કન્યાકુમારી જઈને પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રીય એકતાની નિશાની આપતા આ ભૌગોલિક વિસ્તારનું એક મહત્વ એ છે કે, કન્યાકુમારીનું આ સ્થળ ભારતનો દક્ષિણ છેડો છે. આ સિવાય ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાની રેખાઓ આ સ્થાન પર મળે છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલનસ્થળ પણ છે. નિષ્ણાતોના મતે, કન્યાકુમારી જઈને પીએમ મોદી રાષ્ટ્રીય એકતાનો સંકેત આપી રહ્યા છે.