એક તરફ ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે તેની સામે વાસ્તવિકતા એ છે કે આજની તરીકે ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાનના કુલ મળી 639 વિષય નિષ્ણાત શિક્ષકોની જગ્યા ઉચ્ચતર પ્રાથમિક વિભાગની શાળા”માં ખાલી છે. તો ગુજરાત રાજ્યમાં કુલ 20,800 જગ્યા ખાલી છે. જેમાં ગણિત-વિજ્ઞાનના 8,818, ભાષાના વિષયોના 6,999 અને સામાજિક વિજ્ઞાનના 4988 શિક્ષકોની જગ્યા ખાલી છે.
ગુણોત્સવ યોજી શિક્ષણ ગુણવત્તાની વાત કરતી સરકારે શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જોઈએ
તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યમાં ધોરણ-6થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિકમાં શિક્ષકોની સંખ્યાને લઇને આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8માં કુલ 3,358 શિક્ષકોની જગ્યા મંજૂર થયેલી છે તેની સામે હાલમાં 2,719 જગ્યા ભરાયેલી છે અને 639 જગ્યાઓ ખાલી છે.
સમગ્ર ગુજરાત રાજ્યની સ્થિતિ જોઈએ તો રાજ્યમાં ધોરણ 6થી 8માં કુલ 80,811 શિક્ષકો ધોરણ 6થી 8માં મંજૂર થયેલા છે તેની સામે હાલ ભરાયેલી જગ્યા 60,011 છે અને 20,800 જગ્યા રાજ્યમાં ખાલી છે. ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાના વિષય નિષ્ણાતો ની જગ્યા નોંધપાત્ર પ્રમાણમા ચાલી હોય ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા લથડી છે.
ધો.5 ના બાળકોને ભાગાકાર પણ નથી આવડતા
રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ માટેની ગુણવત્તાનો જે સર્વે થાય છે તેમાં ગુજરાતના જિલ્લાઓમાં તે સર્વે થયો હતો તેમાં ચોંકાવનારી બાબત એ ખૂલ્લી હતી કે ધો. 5માં ભણતા હોવા છતાં બાળકોને ગુણાકાર-ભાગાકાર આવડતા નથી.
ગણિતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ
ઉચ્ચતર પ્રાથમિકમાં વિષય નિષ્ણાત શિક્ષકોની નોંધપાત્ર જગ્યાઓ ખાલી છે તેમાં સૌથી ખરાબ સ્થિતિ ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની છે. રાજ્યમાં ગણિત-વિજ્ઞાન વિષયના 8,818 શિક્ષકોની ઘટ છે અને એકલા ભાવનગર જિલ્લામાં જ ગણિત-વિજ્ઞાનના 302 શિક્ષકોની ઘટ છે. હિન્દી માધ્યમિક શિક્ષણમાં બાળકોનું ગણિત-વિજ્ઞાન દિન-પ્રતિદિન નબળું થતું હોવાનું શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે.