GujaratNewsPolitics

VHP ચૂંટણીઃ પ્રવીણ તોગડિયાના સમર્થક જૂથની હાર, વિષ્ણુ સદાશિવ કોકજે બન્યા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ

ગુડગાંવ માં શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નો એક નવો જ ઇતિહાસ લખાયો હતો. આખી દુનિયામાં હિન્દુત્વનો ઝંડો ઉઠાવનારી સંસ્થામાં પ્રથમ વખત અધ્યક્ષની પસંદગી માટે વોટિંગ થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે અહીં આવેલા ન્યૂ પીડબ્લ્યૂડી ગેસ્ટ હાઉસ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રવીણ તોગડિયા જૂથની હાર થઈ છે. અધ્યક્ષ પદ માટે વિષ્ણુ કોકજે ચૂંટણી જીતી ગયા હતા. જ્યારે તોગડિયાની નજીકના ગણાતા રાઘવ રેડ્ડી ચૂંટણી હારી ગયા હતા. પ્રવીણ તોગડિયાની હાજરીમાં થયેલા વોટિંગ અને મતગણતરીમાં તેમના સમર્થક રાઘવ રેડ્ડીને માત્ર 60 વોટ મળ્યા હતા.

કોને કેટલા વોટ મળ્યા?

– ચૂંટણી માટે 192 મત નાખવામાં આવ્યા હતા
– વિષ્ણુ સદાશીવ કોકજે 131
– રાઘવ રેડ્ડી 60 મત

કોણ છે કોકજે?

વિષ્ણુ સદાશિવ કોકજે હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર તેમજ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધીશ રહી ચુક્યા છે. ચૂંટણી પહેલા તોગડિયા કેમ્પ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોકજેને હિન્દુત્વ સાથે કોઈ લેવા દેવા નથી. કોકજેનો જન્મ 6 સપ્ટેમ્બર 1939ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. ઇન્દોરમાં એલએલબીનો અભ્યાસ કર્યા પછી 1964માં લોની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ એક સંયોગ છે કે આ જ વર્ષે વીએચપીની સ્થાપના થઈ હતી.

હું સારવાર શરૂ કરીશઃ તોગડિયા

ચૂંટણી પહેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, ‘મને જવાબદારી મળે કે ન મળે હું કેન્સર સર્જન છું. ફરીથી સારવાર શરૂ કરી દઈશ. રામ મંદિરના નિર્માણ માટે પ્રયાસ કરતો રહીશ. વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડીની ઉંમર ફક્ત 61 વર્ષ છે. તેમને ત્રીજી વખત શા માટે અધ્યક્ષ ન બનાવવા જોઈએ? આવા વ્યક્તિ સામે 79ની ઉંમરના ઉમેદવારને ઉભા રાખી દેવામાં આવ્યા છે. શું યંગ ઇન્ડિયા છે.’

તોગડિયા જૂથની હાર હતી નક્કી

કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની નિંદા કરવા બદલ આરએસએસ અને બીજેપી તોગડિયાથી નારાજ છે. ગત 29મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવા માટે ભુવનેશ્વરમાં પરિષદના સભ્યોની એક બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં કોઈ નામ પર સહમતિ થઈ ન હતી. બાદમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રાઘવ રેડ્ડી તેમજ વિષ્ણુ સદાશિવ કોકજેના નામ પર વોટિંગ કરાવવામાં આવે. આ ચૂંટણીમાં ભારતમાંથી 209 અને ભારત બહારથી 64 પ્રતિનિધિઓ વોટિંગ કર્યું હતું.

આ પહેલા પરિષદના મહાસચિવ સુરેન્દ્ર જૈને news18 સાથે વાતચીતમાં કહ્યું હતું કે  ‘સહમતિ થાય તેવા પ્રયાસ થતા જ રહે છે પરંતુ ચૂંટણી થાય તો તેમાં શું વાંધો છે. અન્ય જગ્યાએ પણ ચૂંટણી થતી જ હોય છે. પછી સાથે મળીને કામ કરીશું. કોઈ પણ હારે કે જીતે. અમારા માટે હાર કે જીતનું કોઈ મહત્વ નથી. અમારા માટે લક્ષ્ય મહત્વપૂર્ણ છે. આ માટે બધું શાંતિથી પૂર્ણ થઈ જશે. બસ એકબીજા સાથેનો જે ભાવ કે પ્રેમ છે તે જળવાઈ રહેવો જોઈએ.’ જૈનની વાતચીત પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સંઘમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.

વીએચપીમાં પ્રથમ વખત  ચૂંટણી

જ્યારે કોઈ સહમતિ ન થાય ત્યારે વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ચૂંટણીથી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેલા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદ પર તોગડિયાની પસંદગી કરતા આવ્યા છે. પરંતુ આ વખતે વિષ્ણુ સદાશિવની કોકજેની જીત થતા તોગડિયાનું પદ છીનવાઈ જવું નક્કી જ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker