મ્યુકર માઈકોસિસ બીમારીની સારવારને લઈને મોટી જાણકારી સામે આવી છે. મ્યુકર માઈકોસિસ બીમારી સારવાર દર્દીના લોહીથી જ થઈ શકે છે તેવો ઉલ્લેખ ત્રણ હજાર વર્ષ પહેલા આયુર્વેદની ગીતા એટલે કે, સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યો છે. જેનો પ્રથમ સફળ પ્રયોગ રાજ્યની સરકારી અખંડ આનંદ આયુર્વેદ કોલેજમાં કરવામાં આવ્યો છે. 50 વર્ષીય દર્દીના બે રિપોર્ટમાં મ્યુકર માઈકોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા આંખ અને જડબું બંને કાઢી નાખવામાં આવે તો તેમાં બચશે શું તેમ કહી દીધું હતું. જ્યારે આ દર્દીની આયુર્વેદ કોલેજમાં રક્ત નસ્ય એટલે કે, દર્દીના જ શરીરના લોહીના ટીપા નાકમાં નાખ્યા બાદ આયુર્વેદ ઔષધ મિશ્રિત ગૌ મૂત્રના ટીપા નાખવાની ચિકિત્સા કરવામાં આવી હતી.
દોઢ મહિના બાર આયુર્વેદ ચિકિત્સા બાદ 11 સપ્ટેમ્બરના દર્દીએ એસવીપીમાં મ્યુકરનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તે નેગેટિવ આવ્યો હતો. રક્ત નસ્ય ચિકિત્સાથી મ્યુકર માઈકોસિસ મટાડ્યાનો દેશનો આ પ્રથમ કેસ હોવાનો આયુર્વેદ કોલેજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 50 વર્ષીય રજનીકાંત શંકરલાલ ઓઝાને 25 એપ્રીલના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં પાંચ દિવસ માટે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ દર્દીનું બ્લડ શુગર 850 સુધી પહોંચી ગયું અને શરીરમાં કોમ્પ્લિકેશન થવાની શરૂઆત થઈ ગઈ હતી.
થોડા દિવસો બાદ જડબાં, ગાલ પર દુખાવા સાથે સોજો આવી ગયો હતો અને ડાબી આંખનું હલનચલન સંપૂર્ણ બંધ થઈ ગયું તેમજ દાંતના પેઢા પણ પથરા જેવા થયા હતા. ખાનગી પ્રેક્ટિશનર જોડે તપાસ કરાવતા ડોક્ટર દ્વારા બ્લેક ફંગસ હોવાનું જણાવી આંખ કાઢી નાખવાની સલાહ આપવામાં આવી હતી.
જ્યારે જુલાઈમાં પ્રથમ વખત એમઆરઆઈ રિપોર્ટ તેમને કરાવ્યો જેમાં ફંગલ સાયનાઈટિસનું નિદાન થયેલું જોવા મળ્યું હતું. સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલમાં બાયોપ્સી કરાવતા સમયે પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ જડબું કાઢી નાખવાની જ સલાહ આપવામાં આવી હતી. 31 જુલાઈના રજનીકાંત ઓઝા મ્યુકરની સારવાર માટે આયુર્વેદ કોલેજ પહોંચી ગયા હતાં.
જ્યારે ત્રણ-ત્રણ દિવસના મધ્યાંતરે દિવસમાં બે વખત તેમના નાકમાં તેમના જ લોહીના ટીપા સાથે આયુર્વેદ ઔષધિ મિશ્રિત ગૌ મૂત્ર નાખવાની ચિકિત્સા શરૂ કરવામાં આવી હતી. દસ જ દિવસમાં તેમને ફરક પડવા લાગ્યો હતો. તાજેતરમાં એમઆરઆઈ કરાવ્યો જેમાં મ્યુકર નહીં હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.