હાલ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને શહેરીજનોનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ આ બન્ને અધિકારીઓએ કોઈની પણ શેહ રાખ્યા વિના ટ્રાફિક અને પાર્કિંગ મામલે આકરા પગલાઓ લીધા છે. પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની છબિ કડક અધિકારીની છે. જેમાં એ.કે.સિંઘ એડવન્ચર પ્રેમી અને પર્વરતા રોહક છે જ્યારે વિજય નહેરા ઝૂંપડામાં રહીને સંઘર્ષ કરી અહીં સુધી પહોંચ્યા છે.
સિહોત છોટી ગામમાં જન્મેલા નહેરા 1990 સુધી ઝૂંપડામાં રહેતા
ગુજરાતમાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર 2001 બેચના IAS અધિકારી વિજય નહેરાનો જન્મ 6 જુલાઈ 1975ના રોજ રાજસ્થાનના સીકર જિલ્લાના સિહોત છોટી ગામના એક સામાન્ય પરિવારમાં થયો હતો. વર્ષ 1990 સુધી વિજય નહેરા પરિવાર સાથે ઝૂંપડામાં રહેતા હતા.
પ્રથમ પ્રયાસે UPSC પાસ કરી મેળવ્યો 70મો રેન્ક
તેઓ ચોથા ધોરણમાં ભણતાં હતાં ત્યારે રાજીવ ગાંધી ટેલેન્ટ સર્ચ એક્ઝામ આપી હતી. ત્યાર બાદ 5માં ધોરણથી બિરલા પબ્લિક સ્કુલ-પીલાનીમાં સરકારી ખર્ચે તેમને ભણવાનો મોકો મળ્યો હતો. તેમણે કેમિસ્ટ્રીમાં એમ.એસ.સી કર્યું અને જોબ પણ મળી. આ જોબની સાથે સાથે USPCની તૈયારીઓ શરૂ કરી હતી. USPCમાં પ્રથમ પ્રયત્ને જ નેશનલ લેવલે 70માં રેન્ક સાથે વિજય નહેરા પાસ થયા હતા. UPSC પાસ કર્યા બાદ તેઓ 2001 બેચના IAS અધિકારી બન્યા.
2009માં મળ્યો બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ
ત્યાર બાદ તેમણે ભરૂચ અને હિંમતનગરમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જ્યારે પાટણમાં ત્રણ વર્ષ સુધી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી હતી. વડોદરા અને મહેસાણા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2009માં વડોદરાના કલેક્ટર તરીકે તેમને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ તેમને 12 હજાર વરિષ્ઠ નાગરિકોને ઈંદિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હેઠળ લાવવા માટે મળ્યો હતો. માત્ર એટલું જ નહીં, ચૂંટણી પંચે પણ શ્રેષ્ઠ કામગીરીનો રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કર્યું હતું.
રાજકોટ મ્યુ.કમિ.થી લઈ GSRTCના એમ.ડી. તરીકે કરી ઉત્કૃષ્ટ કામગીરી
તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે પણ ઉત્તમ કામ કરી એક અલગ જ ઈમેજ બનાવી હતી. આ ઉપરાંત તેઓ બે વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. રાજકોટથી બદલી થયા બાદ તેઓ GSRTCના મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. આ દરમિયાન રાજકોટને આ 154 કરોડના ખર્ચે આધુનિક બસ પોર્ટની પણ ભેટ આપી.
ફેમિલી
તેમના ફેમિલી અંગે વાત કરીએ તો તેમના પિતાનું નામ રામચંદ્ર નહેરા અને માતાનું નામ ચાવની દેવી છે. તેમણે સુમન નહેરા સાથે લગ્ન કર્યા છે. લગ્ન જીવન દરમિયાન તેઓ પુત્ર આર્યન અને પુત્રી અનાયાના પેરેન્ટ્સ બન્યા હતા. પુત્ર આર્યન સ્વિમિંગમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન પણ બની ચૂક્યો છે. તાજેતરમાં તેઓ અમેરિકાના બર્કેલી શહેરમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ગોલ્ડમેન સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
BSC(મિકેનિકલ) છે એ.કે.સિંઘ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપકુમાર એ.કે.સિંઘનો જન્મ 4 સપ્ટેમ્બર 1960ના રોજ થયો હતો. તેમણે બિહારમાં બીએસસી (મિકેનિકલ)નો અભ્યાસ કર્યો છે. કાર્યનિષ્ઠ અને ઈમાનદાર અધિકારીની છાપ ધરાવતા એ.કે.સિંઘ એકદમ લો પ્રોફાઈલ રહે છે.
તેઓ ગાંધીનગર ખાતે કાર્યરત ડી.જી.ઓફિસના એડિશનલ ડી.જી.(ટેકનિકલ સર્વિસિઝ), સુરત રેન્જ આઈ.જી., ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરોના આઈ.જી.પી., વડોદરા ડીસીપી, કચ્છ એસ.પી. અને કચ્છ રેન્જ ડી.આઈ.જી. તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન સહિતના વી.વી.આઈ.પી.ની સલામતી વ્યવસ્થા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના આઈ.જી. તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.
ટાટા સ્ટીલની નોકરી દરમિયાન પડ્યા એડવન્ચરના પ્રેમમાં
એ.કે. સિંઘને એડવેન્ચર પ્રત્યે પણ ખૂબ લગાવ છે. તેઓ જ્યારે 1982થી 1985 દરમિયાન ટાટા સ્ટીલના જમશેદપુરમાં કામ કરતા હતા ત્યારે એડવેન્ચરના પ્રેમમાં પડ્યા હતા.
4ની વયથી કરે છે સ્વિમિંગ
માત્ર એટલું જ નહીં, ફિટનેસ પ્રત્યે પણ એટલા જ જાગૃત છે. તેમણે માત્ર ચાર વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી હતી. જ્યારે 2001માં ભુજમાં પોસ્ટિંગ દરમિયાન જીમમાં જવાની શરૂઆત કરી હતી.
સવારે છ વાગ્યે ઉઠી જાય છે
એ.કે. સિંઘ મધ્યરાત્રે ઉંઘી જાય છે અને સવારના 6 વાગ્યે ઉઠી જાય છે. ત્યાર બાદ જીમમાં જાય છે અથવા તો સ્વિમિંગ કરે છે. જો તેઓ સવારમાં વર્ક આઉટ ન કરી શકે તો સાંજે કરી લે છે. જ્યારે સવારના સાડા દશ વાગ્યે ઓફિસ પહોંચી જાય છે. જ્યાં તેઓ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાઓનો અભ્યાસ કરે છે અને જે તે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપે છે. તેમજ દિવસ દરમિયાન 50 લોકો સાથે મુલાકાત કરે છે. જ્યારે સાંજે 9 વાગ્યે તેમનો દિવસ પૂર્ણ થાય છે.
ચારવાર જમે છે ફુલ ભાણું
તેઓ દિવસ દરમિયાન ચારવાર ફુલભાણું જમે છે. જેમાં સલાડથી લઈ ફ્રાઈડ રાઈસ અને મીઠાઈઓ પણ સામેલ છે.
હિમાલયમાં 16 હજાર 500 KMની ઉંચાઈ કરી ચૂક્યા છે સર
તેમણે એક પર્વતા રોહક તરીકે 2015માં હિમાલયના રૂપકુંડ લેકમાં 16 હજાર 500 કિલો મીટર ઉંચાઈએ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે 53 કિલો મીટરનો ટ્રેક પૂર્ણ કર્યો હતો. જેને દુનિયામાં સૌથી મુશ્કેલ પર્વતારોહણ હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં તેમણે ગઢવાલમાં આવેલા હિમાલયન પર્વત માળામાં ત્રણ વીકનો પર્વતારોહણનો કોર્સ કર્યો છે