અમદાવાદઃ શહેર પોલીસના સાયબર સેલ દ્વારા શુક્રવારે કોમર્સના કોર્સમાં પહેલા વર્ષમાં ભણતી 18 વર્ષની યુવતી પ્રેક્ષા શાહની ધરપકડ કરવામાં આવી હતી. પ્રેક્ષાએ પોતાની બાળપણની ફ્રેન્ડ અને કોલેજમાં સાથે જ ભણતી પડોશમાં રહેતી યુવતીની સોશિયલ મીડિયા ઉપર ફેક પ્રોફાઇલ બનાવી હતી. જેમાં તેને કોલગર્લ તરીકે દર્શાવી તેના ચારિત્ર્યનું હનન કર્યું હતું. ઉપરાંત પોતાની આ ફ્રેન્ડનો મોબાઇલ નંબર પર ‘કોન્ટેક્ટ ફોર સેક્સ’ લખીને જાહેર કરી દીધો હતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ અચાનક તેને અલગ અલગ જગ્યાએથી ફોન કોલ્સ આવતા અને લોકો તેના પર અઘટીત માગણી કરતા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેથી તેણે શહેર પોલીસના સાયબર સેલનો ઉપયોગ કર્યો હતો. જે બાદ સાયબર સેલે સમગ્ર કેસ ઉકેલ્યો હતો.
સાયબર સેલના ઇન્સ્પેક્ટર વી.બી. બરાડે કહ્યું કે, ‘તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધરાવતી કંપનીનો સંપર્ક સાધ્યો અને આ નિશ્ચત પ્રોફાઇલ ક્યા IP એડ્રેસ પરથી બનાવવામાં આવી છે તેની વિગત માગી હતી જેના આધારે અમે શાહની ધરપકડ કરી છે. તેમજ તેણે પણ પોલીસ સમક્ષ સ્વીકારી લીધું છે કે તેની ફ્રેન્ડ કોઈપણ કારણ વગર પણ તેને ચડવતી હતી અને મેહણાં-ટોણાં મારતી હતી જેથી બદલો લેવા માટે તેણે આવું કર્યું હતું.’
શહેરમાં 31 ઓક્ટોબરના દિવસે સાયબર સેલને પોલીસ સ્ટેશનનું સ્ટેટસ મળ્યા બાદ આ પહેલી ધરપકડ છે. અધિકારીએ કહ્યું કે આ પહેલા સેલ શહેર ક્રાઇમ બ્રાંચ અંતર્ગત કામ કરતો હતો. દરેક ગુનાની નોંધણી માટે ક્રાઇમ બ્રાંચના જ રજીસ્ટરમાં કરવામાં આવતી હતી. જોકે પોલીસ સ્ટેશનનું સ્ટેટસ મળ્યા બાદ અમારા અલગ રજીસ્ટરમાં અત્યાર સુધીમાં 3 ગુનાની નોંધણી કરવામાં આવી છે અને તેમાંથી બેનો નિકાલ કરવામાં આવ્યો છે.’