એક્શનની સાથે ફિલ્મ પ્રોડક્શનના ખેલાડી છે અક્ષય, આ વર્ષે લાવશે આટલી ફિલ્મો

અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીએ છ વર્ષ પહેલા ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા છ વર્ષમાં અક્ષય કુમાર અને રાણા રાકેશ બાલીની કેપ ઑફ ગુડ ફિલ્મ્સ કંપની કેટલીક હટકે ફિલ્મો બનાવી રહી છે. જોકે આ કંપનીની સ્થાપના 2009માં થઈ હતી, જે બુટિક કન્ટેન્ટ હાઉસ તરીકે કામ કરતી હતી.

કંપનીના પાર્ટનર રાણા રાકેશ બાલી કહે છે, “દરેક વાર્તા સિનેમાના માધ્યમ દ્વારા દર્શાવી શકાય છે, પણ શરત એ છે કે તમે જે દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી રહયા છો, એમને જ ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વર્તન કરો. કોઈ પણ થિયેટરમાં પોતાની મહેનતની કમાણી આપીને, પાઠ શીખવા નથી આવતું. જો તમે કંઈક ગંભીર કહેવા માંગતા હોવ તો એને એવી રીતે કહો કે પ્રેક્ષકો હસતાં હસતાં પણ મુદ્દો સમજી જાય. અને આ જ કેપ ઓફ ગુડ ફિલ્મ્સનો મંત્ર છે.”

છેલ્લા 6 વર્ષમાં એરલિફ્ટ (2016), ટોયલેટ: એક પ્રેમ કથા (2017) અને મિશન મંગલ (2019) થી લઈને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મો જેમ કે રુસ્તમ (2016), પેડમેન (2018), ચુંબક (2017), સારી કમાણી કરનાર ફિલ્મો કેસરી, ગુડ ન્યુઝ (બંને 2019) અને 2021ની સૌથી મોટી હિટ સૂર્યવંશી, આ બધી કેપ ઑફ ગુડ ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવી છે.

કેપ ઑફ ગુડ ફિલ્મ્સની પાથ-બ્રેકિંગ ફિલ્મોમાં નામ શબાના (2017) અને દુર્ગામતી: ધ મિથ (2020)નો પણ સમાવેશ થાય છે, જેમાં મુખ્ય ભૂમિકા મહિલા નાયિકા દર્શાવવામાં આવી છે, જેમની ભૂમિકા પણ ખૂબ જ મજબૂત બતાવવામાં આવી છે. કંપનીની ફિલ્મ લક્ષ્મી (2020) અને તાજેતરમાં રીલિઝ થયેલી અતરંગી રે (2021) પણ તમામ રેકોર્ડ તોડીને OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મો બની ગઈ છે. એટલું જ નહીં, મ્યુઝિક વીડિયોના નિર્માણમાં પણ ફિલહાલ અને ફિલહાલ 2ના રેકોર્ડ્સની વાત કરીએ તો તેને ઘણી લોકપ્રિયતા મેળવી છે.

હવે આ વર્ષે આ પ્રોડક્શન કંપની દ્વારા રક્ષાબંધન, રામ સેતુ અને OMG 2 જેવી લોકપ્રિય ફિલ્મોને દર્શકો સામે રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસની ત્રણેય ફિલ્મોમાં તે પોતે જોવા મળશે, એટલું જ નહીં, તેની સાથે વાર્તાઓમાં પણ વિવિધતા જોવા મળશે.

Scroll to Top