જેક માની અદભૂત જીવન, ઉછીના લઈ શરુ કરી હતી અલીબાબા
ચાઇનાની વિશાળકાય ઈ-કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર અને ચીફ જેક માએ રિટાયરમેન્ટની ઘોષણા કરી છે. એક દિવસ પછી એટલે કે સોમવારે 10 સપ્ટેમ્બરના રોજ પોતાના બર્થડેના દિવસે જેક પોતાની કંપનીમાંથી નિવૃત્તિ લેશે. અલીબાબા શરુ કરતા પહેલા ટીચર રહેલા જેક મા ફરીથી શિક્ષણ ક્ષેત્રે જોડાશે અને તેના દ્વારા માનવ સેવાનુ કામ કરવાની ઈચ્છા હોવાનું તેમણે જાહેર કર્યું છે. એક સામાન્ય શિક્ષકથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ સુધીનો પ્રવાસ ખેડવાનાર જેક માનું જીવન ખૂબ જ પ્રેરણાદાયક છે.
સાધારણ પરિવારમાં બાળપણ
જેક માનો જન્મ ખૂબ જ સાધારણ પરિવારમાં થયો હતો. તેમને માતા-પિતા ખૂબ ઓછું ભણેલા હતા. તેમના પિતાએ ફક્ત માસિક 40 ડૉલરના પેન્શન પર કેટલાય વર્ષો સુધી પરિવારનું ભરણ પોષણ કર્યું હતું.
30 કંપનીઓએ નોકરી માટે નકારી કાઢ્યા
જેક માએ એક ઉદ્યોગપતિ તરીકે દુનિયાભરમાં કાઠું કાઢ્યું છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે પોતાનો વેપાર શરુ કરતા પહેલા જેક મા 30 જેટલી કંપનીઓના ઉંમરા ઘસી ચૂક્યા હતા અને તમામે તેમને નોકરી આપવાની ના પાડી હતી. ત્યાં સુધી કે તેમણે KFCમાં પણ નોકરી માટે અપ્લાય કર્યું હતું પરંતુ તેમને સિલેક્ટ કરવામાં નહોતા આવ્યા.
શિક્ષક તરીકે શરુ કરી કરિયર
હાંગઝુ ટીચર્સ કોલેજમાં ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને જેક માએ એક સ્થાનિક યુનિવર્સિટીમાં ટીચર તરીકે કરિયરની શરુઆત કરી હતી.
ઇન્ટરનેટે બદલી દુનિયા
પહેલીવાર ઇન્ટરનેટના સંપર્કમાં આવ્યા કે તરત જ તેમના મગજમાં વિચાર આવ્યો કે આ ટેક્નોલોજીની મદદથી તેઓ ઘણું કરી શકે તેમ છે અને તેમણે તરત જ યુનિવર્સિટીની નોકરી છોડી દીધી. જેક મા આજે પણ એ દિવસ યાદ કરતા કહે છે કે ‘જ્યારે મે પહેલીવાર કી બોર્ડ અને ઇન્ટરનેટને સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે આ એજ વસ્તુ છે જે ચીન જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને બદલી નાખવામાં મોટો ફાળો ભજવશે.’
ઉધાર લઈને કંપનીની શરુઆત
ઇન્ટરનેટ દ્વારા નાના વેપારીઓ ઓનલાઇન પોતાની પ્રોડક્ટ વેચી અને ખરિદી શકે છે તેની સંભાવનાઓને તેમણે ઓળખી અને તેના માટે શરુ કરી અલીબાબા. તેણે 17 લોકો સાથે મળીને ચીનના ઝેજિયાંગમાં આવેલ હાંગઝુ ખાતે પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબાની શરુઆત કરી હતી. આ માટે તેમણે મિત્રો પાસેથી લગભગ 43 લાખ રુપિયા ઉધાર લીધા હતા.
આજે છે વિશાળ સામ્રાજ્ય
જેક માની કંપની અલીબાબાએ ઇન્ટરનેટના વિકાસની સાથે ખૂબ જ ઝડપી સફળથા મેળવી. બે જ દશકામાં તેમની કંપની દુનિયાની સૌથી વિશાળકાય કંપનીઓમાં સામેલ થઈ ગઈ. આજે તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 420.8 અબજ ડૉલર એઠલે કે લગભગ 30,284 અબજ રુપિયા થાય છે.
એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા
સાવ ગરીબીમાં બાળપણ ગુજારનાર જેક મા ચીનના તો સૌથી અમીર વ્યક્તિ છે જ પણ એક સમયે એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ હતા. હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ તેમને પાછળ છોડીને એશિયા મોસ્ટ રિચેસ્ટનું બિરુદ મેળવ્યું છે. ફોર્બ્સ મુજબ જેક માની કુલ સંપત્તિ 36.6 બિલિયન ડૉલર એટલે કે 2,639 અબજ રુપિયા છે.
જેક માને ચીનમાં લોકો પૂજે છે
ન્યુઝ એજન્સી IANS મુજબ ચીનના અનેક ઘરોમાં જેક માની પૂજા કરવામાં આવે છે. દિવાલો અને પવિત્ર જગ્યાએ તમે જેક માની તસવીરો જોઈ શકો છો. અહીં તેમને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.
નિવૃત્તિ માટે ખાસ દિવસ
જેક માએ નિવૃત્તિ માટે ખાસ દિવસ પસંદ કર્યો છે. તેઓ સોમવારે 54 વર્ષના થઈ રહ્યા છે. આ દિવસે ચીનામાં રાષ્ટ્રીય રજા હોય છે કેમ કે 10 સપ્ટેમ્બરને ચીન શિક્ષક દિવસ તરીકે ઉજવે છે.