અમરનાથ, એક એવી જગ્યા કે સુંદર પહાડો વચ્ચે ભગવાન મહાદેવ બિરાજે છે. અમરનાથ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે જાય છે. પરંતુ કોરોનાના કારણે અમરનાથની યાત્રા પર જવાનું ભક્તોનું સ્વપ્ન અધૂરું છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે આ યાત્રા યોજાઈ નહોતી અને આ વર્ષે પણ એ જ કારણોસર અમરનાથ યાત્રા નહી યોજાય.
જો કે, આ વર્ષે પણ છડી યાત્રાની સાથે માત્ર પારંપરિક રીતે પુજા જ કરવામાં આવશે. સાથોસાથ ભક્ત ઘરે બેઠા આરતીને લાઇવ જોઈ શકશે. આ નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે લીધો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના સૂત્રો મુજબ આ વર્ષે હેલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં નથી આવ્યો. આ વર્ષે પણ માત્ર છડી યાત્રા યોજાશે અને જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂજા થશે.
નોંધનીય છે કે, આ પહેલા એપ્રિલ મહિનામાં જ અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે થનારી વાર્ષિક યાત્રા માટે રજિસ્ટ્રેશનને કોવિડ-19ની સ્થિતિના કારણે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. બાલટાલ અને ચંદનવાડી માર્ગોથી યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઓફલાઇન અને ઓનલાઇન રજિસ્ટ્રેશન ક્રમશઃ 1 એપ્રિલ અને 15 એપ્રિલથી શરુ થવાનું હતું. 56 દિવસની આ યાત્રા પહલગામ અને બાલટાલ માર્ગોથી 28 જૂનથી શરૂ થવાની હતી અને તેનું સમાપન 22 ઓગસ્ટે થવાનું હતું.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે એપ્રિલ મહિનામાં જાણકારી આપી હતી કે દેશમાં કોવિડના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઈ તથા તમામ તકેદારીના પગલાં લેવાની આવશ્યક્તાને જોતાં શ્રી અમરનાથજી યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.