જયપુરઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાથી સામાન્ય લોકો પરેશાન છે. ત્યાં મોદી સરકારના સમાજ કલ્યાણ તેમજ અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેને આ ભાવ વધારાથી કોઈ જ પરેશાની નથી. શનિવારે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ અંગે મંત્રીએ કહ્યું કે તેઓને ડીઝલ અને પેટ્રોલ મફતમાં મળે છે તેથી આ અંગે વધુ નથી વિચારતા.
મોદી સરકારના મંત્રી અઠાવલેએ કહ્યું કે, “પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, તેનાથી કોઈજ ફર્ક નથી પડતો. સરકાર મારી ગાડિઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસાથી જ પેટ્રોલ અને ડીઝલ જ્યારે આવે છે તો આ અંગે શું વિચારવું.”
અયોધ્યામાં બને બૌદ્ધ મંદિર
– રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના અધ્યક્ષ અઠાવલેને જ્યારે પૂછ્યું કે ભાજપસરકારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનશે, ત્યારે તે અંગે અલગ જ રાગ છેડતાં તેઓએ કહ્યું કે અયોધ્યામાં બૌદ્ધ મંદિર હતું. ત્યાં બૌદ્ધ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. એટલે ત્યાં બૌદ્ધ મંદિર જ બનવું જોઈએ.
– SC-ST એક્ટ પર સવર્ણોના ગુસ્સા અંગે અઠાવલેએ કહ્યું કે તેઓ ગરીબ સવર્ણોને પણ 25 ટકા આરક્ષણ મળે તેની માંગ કરશે. તેઓએ કહ્યું કે ગરીબ સવર્ણોને 25 ટકા અનામત મળે તેનું સમર્થન પહેલાંથી જ કરું છું.
300થી વધુ બેઠકો મળશે
– રામદાસ અઠાવલેએ કહ્યું કે મને લાગે છે કે મોદી સરકારના પાંચ વર્ષ પૂરાં થતાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 300થી વધુ બેઠકો મળશે. તેઓએ કહ્યું કે, 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યાં બાદ દેશના સામાન્ય લોકો માટે કામ કર્યાં. આ કાર્યોના બદલે 2019માં ભાજપને 300થી વધુ બેઠકો મળશે