સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગેંંગ રેપના એક કેદીએ કર્યો આપઘાત

સાબરમતી જેલમાં ગેંગરેપના એક આરોપીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઇ છે. આ મામલે રાણીપ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની યુવતીને અમદાવાદમાં નોકરી આપવાની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો હતો.

એટલુ જ નહીં એમડી ડ્રગ્સનો નશો કરી ગન પોઈન પર આરોપીઓએ ચાલુ કારમાં પણ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જો કે આ અંગે ફરિયાદ નોંધાવતા પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

રાજકોટમાં રહેતી યુવતીને ઈસનપુરના યુવકે નોકરી આપવાનું કહીને અમદાવાદ બોલાવી હતી. બાદમાં ઉદેપુર અને આબુ લઈ ગયા હતા. જ્યાં તેને બેહોશ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતુ. બાદમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ ,જીગ્નેશ ગોસ્વામી, જૈમિન પટેલ અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગન પોઈન્ટ પર યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

જો કે યુવતીએ આ અંગે વકિલની સલાહ લઈને મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીગ્નેશ ગોસ્વામી અને જૈમિન પટેલની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

જો કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા જૈમિન પટેલે બુધવારે વહેલી સવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે એક ચીઠ્ઠી લખી હતી જેમાં એવુ જણાવ્યું હતું કે, આ કેસમાં હું બહાર નહીં આવી શકું, મારા પરીવારની માફી માંગુ છું.

જો કે આ અંગેની જાણ રાણીપ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બાદમાં જૈમિનના મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Scroll to Top