જ્યારે સ્પોર્ટ કારની વાત થાય ત્યારે મગજમાં સૌથી પહેલા ફરારી અને લેમ્બોર્ગિનીનું નામ આવતું હોય છે. લગભગ મોટાભાગના લોકો ઈચ્છે છે કે, લેમ્બોર્ગીની કાર એટલી મોંઘી હોય છે કે તેને ખરીદવાનું સ્વપ્ન દરેક વ્યક્તિ પૂરું ન પણ કરી શકે. પરંતુ અસમના એક યુવા મિકેનીકે ઓછા ખર્ચે પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. હકીકતમાં આ યુવાને પોતાની મારૂતિ સ્વિફ્ટ હેચબેક કારને મોડિફાઈ કરીને તેને લેમ્બોર્ગિની સ્પોર્ટ કાર જેવી બનાવી દિધી છે.
30 વર્ષીય નુરુલ હકે કહ્યું કે તેણે પોતાના પ્રોજેક્ટ પર 6.2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તે હંમેશાથી લેમ્બોર્ગિની જેવી સ્પોર્ટ્સ કાર ચલાવવા માગતો હતો. નુરુલ હકે કહ્યું કે, આવી લક્ઝરી કાર બનાવવા અને ચલાવવું મારું સપનું હતું. મને લેમ્બોર્ગિની કાર પસંદ છે અને છેલ્લે મેં એક જુની સ્વિફ્ટ કારને મારા સપનાની કારમાં બદલી નાખી.
આ યુવાનનું નામ નુરુલ હક છે અને તે પ્રોફેશનલી મીકેનિક છે અને એક ગેરેજ ચલાવે છે. નુરૂલ આ પહેલા છેલ્લા 20 વર્ષથી નાગાલેન્ડના દિમાપુરમાં સ્થિત પોતાના પિતાના ગેરેજમાં પેઈન્ટર તરીકે કામ કરતો હતો. પરંતુ અમૂક કારણોસર તેણે એ જગ્યા છોડવી પડી અને હવે તે પોતાનું ગેરેજ ચલાવે છે.
નુરુલે કહ્યું કે મને એક લેમ્બોર્ગિની કારની કિંમત ખબર છે પણ આ પ્રકારની કાર ચલાવવું મારું સપનું છે. અને અંતે મેં આ કાર બનાવી લીધી. હાલ તે સમગ્ર પંથકમાં એક સેલિબ્રિટી બની ગયો છે. અને અનેક લોકો તેની કાર જોવા માટે ગેરેજ પર આવી રહ્યા છે અને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.