બાબર આઝમ બનશે પાકિસ્તાનના PM… ભારતીય દિગ્ગજે બધાની સામે કહી દીધી આવી વાત

ટી-20 વર્લ્ડ કપ-2022માંથી બહાર થવાની અણી પર ઉભેલી પાકિસ્તાન હવે આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ તેણે મેલબોર્નની ટિકિટ બુક કરી હતી જ્યાં તેનો ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે. ઇંગ્લેન્ડે ભારતનું સપનું તોડી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાને 2009માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે ઈંગ્લેન્ડ 2010માં ચેમ્પિયન રહી ચુક્યું છે. આ દરમિયાન વિશ્વના મહાન ક્રિકેટરોમાંના એક સુનીલ ગાવસ્કરે બાબર આઝમ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.

13 નવેમ્બરે મેલબોર્નમાં અંતિમ મુકાબલો

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે (13 નવેમ્બર) ના રોજ પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. આ મેદાન પર 1992 ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. 30 વર્ષ પહેલા ઈમરાન ખાનના નેતૃત્વમાં MCG ખાતે ‘મેન ઇન ગ્રીન’એ તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે ત્યારે પણ ઈંગ્લેન્ડ સામે હતું, જેને પાકિસ્તાન 22 રને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. હવે અજીબોગરીબ સંયોગ છે કે મેદાન પણ મેલબોર્ન છે, ફાઇનલમાં આવેલી ટીમો પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ છે.

ગાવસ્કરની આગાહી

મોટી સંખ્યામાં ચાહકો પણ આ સંયોગને યોગ્ય માની રહ્યા છે અને તેમને લાગે છે કે પાકિસ્તાન T20 વર્લ્ડ ચેમ્પિયન બનશે. એટલું જ નહીં, લોકોએ આ તમામ ઘટનાઓને જોડવાનું શરૂ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે બાબર આઝમ ભવિષ્યમાં પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે છે. ઇમરાન ખાનના કિસ્સામાં પણ આ જોવા મળ્યું હતું. 1992ના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ આ અંગે ચાહકોના સૂરનો પડઘો પાડ્યો છે.

શું 2028માં બાબર બનશે PM?

દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલની શરૂઆત પહેલા આવી વાત કહી. ગાવસ્કરનો આ વીડિયો પણ એક યુઝરે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આમાં ગાવસ્કર કહે છે, ‘જો પાકિસ્તાન T20 વર્લ્ડ કપ જીતશે તો 2048માં બાબર આઝમ પાકિસ્તાનના વડાપ્રધાન બનશે.’ ગાવસ્કરની આ વાત સાંભળીને શેન વોટસન અને માઈકલ પણ હસવાનું રોકી શક્યા નહીં.

Scroll to Top