વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને જોતા બાંગ્લાદેશ સરકારે સરકારી નોકરીઓમાંથી અનામત હટાવી દીધું છે. બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ બુધવારે આના સંદર્ભે જાણકારી આપી છે.
નોકરીઓમાં અનામતની નીતિ વિરુદ્ધ બાંગ્લાદેશમાં હજારો વિદ્યાર્થીઓ સડકો પર ઉતર્યા હતા. વિરોધના કારણે ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ચુકી હતી.
ઢાકા યુનિવર્સિટીમાં ઘર્ષણોમાં 100થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘર્ષણ બાદ બાંગ્લાદેશના સંવેદનશીલ સ્થાનો પર મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓની તૈનાતી કરી છે અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે ટિયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને જોતા શેખ હસીનાએ સરકારી નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. શેખ હસીનાએ બાંગ્લાદેશની સંસદમાં નિવેદન આપ્યું છે કે અનામત સમાપ્ત કરવામાં આવશે. કારણ કે સ્ટૂડન્ટ્સ તેને ચાહતા નથી. એલાન સમયે કેટલીક નારાજગી વ્યક્ત કરતા વડાંપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે વિદ્યાર્થીઓએ ઘણા પ્રદર્શનો કરી લીધા. હવે તેમણે ઘરે પાછા ફરવું જોઈએ. જો કે વડાંપ્રધાન શેખ હસીનાએ ક્હ્યું છે કે વિકલાંગ અથવા લઘુમતી સમુદાયોના પછાત વર્ગના લોકો માટે બાંગ્લાદેશની સરકાર એવા લોકો માટે નોકરીઓમાં ખાસ વ્યવસ્થા કરશે.
અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓએ રવિવારે દેખાવો શરૂ કરી દીધા હતા. તેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વિરોધીઓના એક જૂથે ઢાકા યુનિવર્સિટીના ઉપકુલપતિના મકાન પર હુમલો કર્યો હતો. જેને કારણે ઢાકા યુનિવર્સિટીના ઉપકુલપતિના પરિવારને સુરક્ષિત સ્થાને શરણ લેવાની ફરજ પડી હતી.
આ ઘટના પર બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે જે લોકોએ ઢાકા યુનિવર્સટીના ઉપકુલપતિના મકાન પર હુમલો કર્યો છે.. તેઓ સ્ટૂડન્ટ કહેવડાવાને લાયક નથી. શેખ હસીનાએ આવા વિદ્યાર્થીઓને સજા અપાવવાનો પણ ભરોસો અપનાવ્યો છે.