રાજકોટવાસીઓ માટે આનંદના સમાચારઃ હવે લગભગ બની જ જશે આજી રિવરફ્રન્ટ!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ફરીથી તૈયારીઓ આરંભી દેવાઈ છે અને હવે ટેન્ડર જાહેર કરવામાં આવશે અને બાદમાં રિવરફ્રન્ટ તૈયાર થશે.

રાજકોટમાં બનનાર આજી રિવરફ્રંટની લંબાઈ 11 કિલોમીટર હશે તેમજ રિવરફ્રંટમાં કનેકટિંગ રોડ,પાર્ક ગાર્ડન, ફૂડ ઝોન પણ બનાવાશે 6 ચેકડેમ અને 3 બેરેજ બનાવાશે.મનપાએ આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ વધારવા મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં આજી રિવરફન્ટની બ્લુ પ્રિન્ટ, પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને સમકક્ષ તૈયાર કરવામાં આવનાર છે.

સૌથી પહેલા તો આજીનદીની બંન્ને તરફ જે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તે પહેલા તો દૂર કરવામાં આવશે. ત્યારબાદ RCC રિટેઈનિંગ વોલનું બાંધકામ કરવામાં આવશે. બાદમાં સરકાર મંજૂરી આપે પછી બંન્ને બાજુ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સિવરનું કામ થશે અને પછી આનુસંગિક રોડ નેટવર્કનું કામ થશે.

આ પ્રોજેકટનો કુલ ખર્ચ 1181 કરોડ છે જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત સરકાર પાસે રૂા.191 કરોડની માગણી કરવામાં આવી છે. આ પ્રોજેકટમાં ડ્રેનેજની ઈન્ટરસેફટર લાઈન માટે 47 કરોડ, આજી નદીની બન્ને બાજુએ દિવાલ અને એન્ટ્રી માટે રૂા.312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બન્ને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે 53.90 કરોડ સહિત કુલ 146.85 કરોડના ખર્ચનો અંદાજ છે.

હકીકતમાં વર્ષો પહેલા જ્યારે વડાપ્રધાન મોદી રાજકોટમાંથી ચૂંટણી લડ્યા ત્યારે આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે આટલા બધા વર્ષો વિતી ગયા બાદ હજી પણ રાજકોટને રિવરફ્રન્ટ મળી શક્યો નથી. ત્યારે ફરીએકવાર રિવરફ્રન્ટ અંગે કામગીરી શરૂ થતા રંગીલા રાજકોટવાસીઓને આશા જાગી છે કે, અમને પોતાના જ શહેરમાં ફરવા માટેનું એક સુંદર સ્થળ મળશે.

Scroll to Top