કેટલાક લોકો કલાકો સુધી કાનમાં ઈયરફોન, હેડફોન કે ઈયરબડ્સ ભરાવીને મ્યુઝીક સાંભળતા હોય છે અથવા વિડીયો જોતા હોય છે. વર્તમાન સમયમાં ટ્રેન્ડ બની ગયો છે. માર્કેટમાં 100 થી લઈને 1 લાખ સુધીના આ પ્રકારના ડિવાઈઝ મળે છે. કેટલાક લોકો તો વ્હિકલ ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ કાનમાં ઈયરફોન્સ ભરાવી રાખે છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, કલાકો સુધી કાનમાં ઈયરફોન ભરાવી રાખવાથી તમને અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે, લાંબા સમયથી ઈયરફોનનો ઉપયોગ કેટલી બિમારીઓને તમારા જીવનમાં આમંત્રણ આપી શકે છે.
કાનમાં બહેરાશ
એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાક કરતા પણ વધુ સમય સુધી 90 ડેસિબલની માત્રાથી વધુ અવાજમાં ગીત સાંભળે તો તે બહેરાપણાનો શિકાર બની શકે છે. મનુષ્યની કાનોની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. સતત કલાકો સુધી ગીતો સાંભળવાની આદતના કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઘટીને 40 થી 50 ડેસિબલ થઈ જાય છે.આવી સ્થિતિમાં વ્યક્તિ દૂરનો અવાજ સાંભળી શકતો નથી.
હ્રદયની બિમારી
નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઈઅરફોનના વધારે પડતા ઉપયોગથી ન માત્ર બહેરાશ પરંતું હ્રદયને પણ નુકસાન પહોંચે છે. વધારે અવાજે ગીતો સાંભળીએ કે વાતો કરીએ તો હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદય સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકારા કરે છે. આ કારણથી હ્રદયની બિમારી થાય છે.
માથાનો દુ:ખાવો
ઈઅરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગોની અસર વ્યક્તિના મગજ પર થાય છે. સતત ઈઅરફોન ભરાઈને વાતો કરવી કે ગીતો સાંભળવાની આદતના કારણે માથાનો દુ:ખાવો થાય છે કે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. ઘણાલોકોને ઈઅરફોન ભરાવીને ફિલ્મો કે સિરીઝો જોવાની આદત છે તેમને પણ અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
કાનનું ઈન્ફેકશન
જો તમે ઓફિસમાં કે ઘરમાં તમારા ઈઅરફોન કે હેડફોન કોઈની સાથે શેર કરો છો તો આ આદત તમારી બદલી નાખજો. આ આદતના કારણે કાનનું ઈન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે.