ધોરાજી: ભાદરમાં કેમિકલયુક્ત પાણીને લઇ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની પાણીમાં જળસમાધી લેવાની જાહેરાત લઇ ભુખી ગામમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને જોવા માટે ભુખી સહિત આજુબાજુના ગામોના લોકો એકઠા થઇ ગયા હતા. લલિત પાણીમાં ડૂબશે કે તરશે તેને લઇ સૌ કોઇ આતુર હતા. પરંતુ આખરે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખોબા જેવડા ભુખી ગામમાં અત્યાર સુધીમાં કોઇ દિવસ આટલી પોલીસ આવી નથી. 2 હજારની વસ્તી ધરાવતા ભુખી ગામમાં તમામ મીડિયા પણ પહોંચી ગયું હતું. ગામના દ્રશ્યો પણ પીપલ લાઇવ ફિલ્મ જેવા જોવા મળ્યા હતા.
ભાદર નદીમાં આસપાસના ઉદ્યોગો દ્વારા અત્યંત પ્રદૂષિત પાણી છોડાતું હોવાની સામે વિરોધ આંદોલન શરુ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય અને હાર્દિક પટેલના સાથીદાર લલિત વસોયાની આજે જળ સમાધિના કાર્યક્રમ દરમિયાન અટકાયત કરાઈ હતી. વસોયાની સાથે આ આંદોલનમાં હાર્દિક પણ સામેલ હતો, તેને પણ પોલીસે ડિટેઈન કર્યો હતો.
લલિત વસોયાએ ભાદર નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સામે ઘણા સમયથી આંદોલન શરુ કર્યું છે. તેમણે છેલ્લે તો આવી ચિમકી ઉચ્ચારી હતી કે જો નદીમાં પ્રદૂષિત પાણી છોડતું બંધ ન કરવામાં આવ્યું તો તેઓ 11ઓગસ્ટના રોજ ભાદર-2 ડેમમાં જ જળસમાધિ લઈ લશે.
આજે ભારદ 2 ડેમ પર વસોયા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જોકે, પોલીસે કાર્યવાહી કરી ટોળાંને વિખેરી નાખ્યું હતું. ગમે તે ભોગે જળસમાધિ લેવા તત્પર વસોયા એકના બે ન થતાં આખરે પોલીસે લલિત અને હાર્દિકને અટકાયતમાં લઈને તેમને સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા.
લતિત વસોયાએ દાવો કર્યો છે કે, ભાદર નદીમાં જેતપુરના સાડી ઉદ્યોગો દ્વારા મોટી માત્રામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ આંદોલન ન થાય તેના માટે તેમને મોટી ઓફર પણ કરવામા આવી હતી. વસોયાના જણાવ્યા અનુસાર, તેમને શરુઆતમાં 25 લાખની ઓપર અપાઈ હતી, પરંતુ તેઓ ટસના મસ ન થતાં 1 કરોડ સુધીની ઓફર પણ કરાઈ હતી.
હાલ પોલીસ વસોયાને ડિટેઈન કરીને જેતપુર લઈ ગઈ છે. જોકે, વસોયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને પોલીસ જેવા છોડશે કે તરત જ તેઓ ફરી આંદોલન શરુ કરી દેશે. આ આંદોલન ચાલુ રહેશે તો પોતાને જીવનું જોખમ રહેલું છે તેવું પણ ન્યૂઝ ચેનલો દ્વારા લલિત વસોઆએ જણાવ્યું હતું.
આ આતંકવાદી સભા નથી તો આટલી પોલીસ શું કામ?: હાર્દિક
કોંગ્રેસના 12 ધારાસભ્યો, કોંગી કાર્યકર્તા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેણે જણાવ્યું હતું કે, લોકોના હિતમાં હશે તેમાં મારૂ સમર્થન છે. આ આતંકવાદીની સભા નથી આટલી પોલીસ શું કામ? આટલી રજૂઆત કરવા છતાં કલેક્ટરે કેમ કોઇ પગલા ન લીધા. આ તો હક્ક માટેની સભા છે.
મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે ત્યારે હાર્દિકે ભુખી ગામે સભામાં કટાક્ષ કરતા કહ્યું હતું કે ગોંડલ ચાર પાંચ લોકો ઉભા હતા અને મે તેઓને કહ્યુ અહીં કેમ ઉભા છો તો કહ્યું વરરાજા આવે તો હારતોરા કરવા પડેને. જેતપુરમા ડાઇંગ એકમોના માલિકની ગાંધીનગર સુધી પકડ છે ત્યારે લલિતભાઇને કહુ છું કે આની સામે મરવાનું ન હોય, લડવાનુ હોય. આ ગંદા પાણીને દારૂની જેમ વેચો તો ગુજરાતમાં વેચાઇ જશે.
ભાદરનું પાણી પશુઓને પણ પીવાલાયક નથી:
આ કાર્યક્રમ પહેલા તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જો તેમને અટકાવવામાં આવશે તો પણ તેઓ જળસમાધિ લેશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભાદર નદીનું પાણી મનુષ્યો તો ઠીક પશુઓને પણ પીવાલાયક નથી.
અનેક રજુઆતો છતાં પગલાં નથી લેવાતા:
લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “ભાદર નદીમાં જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટો દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કલર, કેમિકલ અને એસિડયુક્ત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ભાદર -2 ડેમમાં આવે છે.
આ ડેમમાંથી ધોરાજી, માણવદર અને કુતિયાણા વિસ્તારને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે તેમજ ધોરાજી વિસ્તારામં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ મામલે ધારાસભ્ય બન્યા બાદ અનેક રજુઆતો કરવામાં આવી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.”
કોઇ અધિકારી મળવા નથી આવ્યો:
“જળસમાધિની ચીમકી બાદ પણ સરકાર કે તંત્રના કોઈ અધિકારીઓ મારી સાથે વાતચીત કરવાનો કે મને રોકવાનો પ્રયાસ નથી કર્યો. આ પાણીને કારણે આસપાસના ગામોના લોકોને કેન્સર, ચામડી અને કિડનીના અસહ્ય રોગો થાય છે. આવા પાણીથી જમીનને પણ ખૂબ નુકસાન થાય છે. રાજકીય દબાણને કારણે ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટો સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જ્યારે આ અંગે રજુઆત થાય છે ત્યારે નાના અને નિર્દોષ એકમોને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો બચી જાય છે.”
સરકારની મેડિકલ ટીમે આપ્યો હતો રિપોર્ટ:
“ભાદર જૂથ યોજના બની ત્યાર બાદ અહીં આસપાસના 52 જેટલા ગામમાં લોકોને ચામડી, કેન્સર અને કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદથી આવેલી મેડિકલની ટીમે પણ રિપોર્ટ આપ્યો હતો કે ધોરાજીના તાલુકાઓમાં આ પાણી પીવાથી ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. એક એક ગામમાં ચામડીના રોગથી પીડાતા 50થી વધારો લોકો છે. આ પાણી પશુઓને પણ પીવાલાયક નથી