સુરત શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. બેફામ રીતે રોડ પર ચાલતા વાહનો ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ લે છે. ત્યારે સુરતમાં વધુએક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરમાં ટ્રકની અડફેટે એક મહિલા ટીઆરબી જવાનનું મોત થયું છે. મૃતકનું નામ પ્રીતિ ચોધરી છે. વરીયાવ પોલીસ ચોકી પાસે આ બનાવ બન્યો છે.
બનાવની વિગતો જોઈએ તો, આ મહિલા ટીઆરબી જવાન શહેરના વરીયાવ પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ જ સમયે એક ટ્રેલર પુરપાટ ઝડપે ત્યાં આવ્યું હતું અને મહિલા ટીઆરબી જવાનના એક્ટીવાને અડફેટે લીધું હતું. ટ્રેકરે એટલી જોરદાર ટક્કર મારી હતી કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં કાળનો કોળિયો બનનાર ટીઆરબી જવાન પ્રીતિબેન ચૌધરી બે વર્ષ પહેલા જ ફરજમાં જોડાયા હતા. તેમના પિતાનું સાત વર્ષ પહેલા અકસ્માતમાં જ મોત થયુ હતું. સંજોગોવશ દીકરી પણ અકસ્માતમાં જ મૃત્યુ પામી. પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી પ્રીતિએ ઉપાડી હતી.