સુરતના કતારગામ વિસ્તારમાંથી શાળા સંચાલકોની મોટી મનમાની સામે આવી છે. અહીંયા આવેલી ગેજેરા સ્કુલમાં કોઈપણ પ્રકારની સરકારી ગાઈડ લાઈન કે મંજૂરી વગર જ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકાર દ્વારા અત્યારે માત્ર ધોરણ 9 થી 12 નું જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને આ સિવાયના કોઈપણ વર્ગો શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ મંજૂરી આપવામાં આવી નથી.
મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર હજી તો માંડ શાંત થઈ છે અને ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે આવા સમયે શાળા દ્વારા મનમાની ચલાવીને ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા તે એક મોટી મનમાની અને બેદરકારી છે.
સૌથી મોટી વાત એ છે કે, શાળામાં મીડિયાએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સીંગ જોવા મળ્યું નહોતું. બાળકોએ માત્ર પોતાના મોઢા પર માસ્ક પહેરી રાખ્યા હતા. ત્યારે આટલા બધા સમય સુધી બાળકોને માસ્ક પહેરાવીને બેસાડી રાખવા તે પણ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ ના કરી શકે. ગજેરા સ્કૂલ કેસમાં પણ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસો ધીમે-ધીમે ઘટી રહ્યાં છે, ત્યારે જો પોઝિટિવ કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લગાવવામાં આવી શકે છે.