ગરીબ વિદ્યાર્થીઓને પગભર કરવા માટે સરકાર દ્વા્રા કૌશલ્ય વિકાસ યોજનાઓ ચલાવાય છે. આ માટે સરકાર વિવિધ સંસ્થાઓને કરોડો રુપિયા પણ ફાળવે છે. જો કે આવી સંસ્થાઓ બોગસ નામ,બોગસ વિદ્યાર્થી અને બોગસ ટ્રસ્ટો થકી આચરે છે કરોડોનું કૌભાંડ. સામાજિક આધિકારિતા મંત્રાલય દ્વારા ગુજરાતની વિવિધ સંસ્થાઓને આ માટે કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હોય છે.
જો કે આ સંસ્થાઓને વિભાગના ઓડિટ બાદ નાણાં મળે છે, પરંતુ વિભાગના ઓડિટરે ગુજરાતની વિવિધ સંસ્થાઓની વિઝિટ કરી ત્યારે આખા કૌભાંડનો થયો ઘટસ્ફોટ. આવી સંસ્થાઓની એક વખત નહીં પરતુ બે બે વાર મુલાકાત લેવામાં આવી. આ સંસ્થાએ જે સંખ્યા બતાવી હતી તેના કરતાં ઘણા ઓછા વિદ્યાર્થીઓ જોવા મળ્યા. ઓડિટરને પોતાના વિઝિટ દરમિયાન માત્ર 9 વિદ્યાર્થીઓ જ હાજર જોવા મળ્યા. એટલું જ નહીં પણ બાયોમેટ્રિક હાજરીમાં પણ સંખ્યા બરાબર બતાવાઈ.
મહત્વની વાત એ છે કે, સંસ્થા દ્વારા 18-12-17થી વર્ગો શરૂ કરાયા હતા, પરંતુ મેન્યુઅલ હાજરી પત્રકમાં 1-12-17 થી એન્ટ્રી બતાવાઇ હતી. વિભાગના ઓડિટરે સ્થળ તપાસ કરી મંત્રાલયને રિપોર્ટ આપ્યો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ સંસ્થાઓએ ગેરરીતી આચરી છે, અને તેમને નાણાં ન ચુકવવા. આ સંસ્થાઓએ ક્યાંકને ક્યાંક ગેરરીતી આચરી છે.
ઓડિટરના આ રિપોર્ટ પર ACBએ જાણે મહોર મારી. જે સંસ્થાઓની ઓડિટ કરાઈ હતી. તે સંસ્થાઓમાં ACBએ રેડ કરી. ACBની તપાસમાં પણ બહાર આવ્યું કે, યોજનાના નામે ગફલા ચાલે છે. ACBએ આ રેડ બાદ કેટલાક લોકો અને સંસ્થાઓ સામે ફરિયાદ પણ નોંધી, અને ACBની આ રેડથી ઓડિટરે જે સવાલો ઉઠાવ્યા હતા તેના પર પણ મહોર લાગી, અને ઓડિટરનો રિપોર્ટ સાચો સાબિત થયો.
ઓડિટરનો રિપોર્ટ સરકાર પાસે હતો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો પણ થઈ ગયો…અને ACBએ રેડ કરીને એ વાતને મજબૂત કરી દીધી કે દાળમાં કંઈ કાળું છે.
હવે બોલ સરકારના મંત્રી ઇશ્વર પરમારના પાલામાં હતો. ઓડિટ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે, અને સંસ્થાઓ સામે ગાળિયો કસાશે, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી. રિપોર્ટની વાત તો બાજુ પર રહી. સામાજિક ન્યાય અને આધિકારિતા પ્રધાન ઇશ્વર પરમારે તો ઉલટા ચોર કોટવાલ કો દંડે. એ ન્યાયે ઓડિટ રિપોર્ટ આપનારને જ હટાવવા આદેશ કરી દીધો.
રિપોર્ટ સામે પગલા લેવાના બદલે ઓડિટર સામે પગલા લેવા આદેશ કરાયો. આ મામલે ઓડિટર ખોટા હોવાના અને દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરાયા. આ સમગ્ર મામલે તપાસની વાત તો બાજુએ રહી, પણ જે સંસ્થાઓએ કૌભાંડ આચર્યું હતુ તે સંસ્થાઓને નાણાં ચુકવી દેવા આદેશ કરી દેવામાં આવ્યો. સાથે જ પોતાના જ વિભાગ દ્વારા નિમણુંક કરેલા ઓડિટરની નિમણુંક સામે સવાલ ઉઠાવ્યા.
અમે જ્યારે ઇશ્વર પરમારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મૌન સેવ્યું. ત્યારે સવાલ એ થાય છે કે ઓડિટરના રિપોર્ટને અવગણીને કેમ ઇશ્વર પરમારે સંસ્થાઓને નાણાં ચુકવવા આદેશ કર્યો? કેમ તેમણે ઓડિટરને હટાવવાનો આદેશ કર્યો? આખરે આ સંસ્થાઓને નાણાં ચુકવવાની ઉતાવળ કેમ ? શું ઇશ્વર પરમારને આ સમગ્ર કૌભાંડની જાણ છે, આવા અનેક સવાલો ઇશ્વર પરમાર અને તેમના મંત્રાલય પર ઉભા થઈ રહ્યા છે.