AhmedabadGujaratNews

ઉપવાસનું શરીરશાસ્ત્ર : હાર્દિકના ઉપવાસનો બીજો તબક્કો કેટલો જોખમી છે જાણો

 અમદાવાદઃ હાર્દિક પટેલના અનશનને ચૌદ દિવસ થયા ત્યારે તેણે હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાની ઈચ્છા દર્શાવી. હાલ તે SGVP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વધુ કેટલાંક દિવસ સારવાર મેળવશે. હોસ્પિટલમાં દાખલ થયા પછી હજુ તેણે પાણી લેવાનું શરૂ કર્યું છે, પરંતુ મોં વાટે ખોરાક ન લઈને અનશન જારી રાખ્યા છે. તબિયત ખરાબ છે અને અનશન જારી છે એવા સંજોગોમાં સ્વાભાવિક રીતે જ એવી ચિંતા પ્રસરેલી છે કે હાર્દિકને કશું થઈ તો નહીં જાય ને? ત્યારે સવાલ એ થાય કે માણસ કશું ખાધાપીધા વિના કેટલું જીવી શકે? ખોરાક-પાણી લેવાનું બંધ કરી દે તો તેના શરીમાં એવા તે કયા ફેરફારો થાય?

ગ્લુકોઝ બર્નિંગનો પહેલો તબક્કો

એક તંદુરસ્ત વયસ્ક વ્યક્તિ કશું જ ખાધા વિના બે મહિના સુધી જીવી શકે. આમરણાંત ઉપવાસ પર ઊતરેલી વ્યક્તિનું શરીર ટકી રહેવા અને ખોરાક મળે નહીં ત્યાં સુધી ત્રણ મહત્ત્વના તબક્કાઓમાંથી પસાર થાય છે.

પહેલો તબક્કો છે ગ્લુકોઝ બર્નિંગ. નોર્મલ અવસ્થામાં આપણું શરીર ગ્લાયકોજનને પ્રોસેસ કરીને ગ્લુકોઝ બનાવે છે. ખાધા પછી સરેરાશ છથી આઠ કલાકમાં આ ગ્લુકોઝ બર્નિંગની પ્રોસેસ શરૂ થઈ જાય છે અને આપણને ભૂખ લાગી જાય છે. આ સમય દરમિયાન શરીરે આપણે છેલ્લે ખાધેલા ખોરાકમાંનો બધો જ ગ્લુકોઝ વાપરી નાખ્યો હોય છે. એટલે હવે એને જો ગ્લુકોઝનો નવો પુરવઠો ન મળે તો તે ફેટી એસિડ તરફ નજર દોડાવે છે. આપણા કોષોમાં સ્ટોર થયેલા ચરબીના કણોનો આ સાથે ભોગ લેવાવાનું શરૂ થઈ જાય છે.

હાર્દિક આ બીજા તબક્કામાં છે

આ સાથે જ શરીરના મૅટાબોલિઝમમાં બીજો તબક્કો સ્ટાર્ટ થાય છે, આ બીજો તબક્કો એટલે ફૅટ બર્નિંગ. આ તબક્કો અમુક દિવસોથી અઠવાડિયાંઓ સુધી ચાલે છે. ‘કિટોસિસ’ તરીકે ઓળખાતા આ તબક્કામાં લિવર ફેટી એસિડ્સને વાપરીને કીટોન બોડીઝ નામના કણો પેદા કરવાનું સ્ટાર્ટ કરી દે છે. આ તબક્કે શરીરને પોષણ આપનારા સ્રોત તરીકે ગ્લુકોઝનું સ્થાન કીટોન બોડીઝ લઈ લે છે. આવા ત્રણ પ્રકારના કીટોન બોડીઝ લિવરમાંથી નીકળીને મગજ, હૃદય અને અન્ય કોષોને શક્તિ પૂરી પાડતા રહે છે. હાર્દિક પટેલનું શરીર અત્યારે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

જોકે આપણું મગજ ફેટી એસિડનો સીધેસીધો ઉપયોગ કરી શકતું નથી. એટલે તેની સાથોસાથ શરીરમાં બચેલા ગ્લુકોઝ વાપરવાનું ચાલુ રાખે છે. ભૂખ હડતાલની સ્થિતિમાં આપણું મગજ પણ ડાયેટિંગ સ્ટાર્ટ કરી દે છે. તે પોતાની ગ્લુકોઝની દૈનિક જરૂરિયાત ઘટાડી દે છે. સામાન્ય સંજોગોમાં રોજના 120 ગ્રામ ગ્લુકોઝ આરોગતું મગજ 30 ગ્રામ પર આવી જાય છે. તેની સમાંતરે મગજ પ્રોસેસ થયેલા કીટોન બોડીઝનું ભોજન પણ સ્ટાર્ટ કરે છે. આ તબક્કામાં માણસનું મગજ પૂરેપૂરું અલર્ટ રહી શકતું નથી, એટલે એને ડિપ્રેશન, એંક્ઝાયટી, થાક અનુભવાવા માંડે છે. તેની સમજવાની અને એકાગ્રતાની શક્તિ પર પણ અસર પડે છે.

સૌથી જોખમી ત્રીજો તબક્કો

જો શરીરનો તમામ ફેટ સ્ટોરેજ વપરાઈ જાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન સમેટાઈ ન જાય, તો ત્રીજો અને આખરી તબક્કો સ્ટાર્ટ થાય છે. આ સ્ટેજમાં શરીરના પ્રોટીનનું ધોવાણ શરૂ થાય છે. મગજને જીવતું રાખવા માટે શરીરના કોષો પોતાની અંદર રહેલા પ્રોટીનને એમિનો એસિડ્સમાં કન્વર્ટ કરવા માંડે છે. શરીરના કોષો નોર્મલી કામ કરતા રહે એ માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. પરંતુ આ તબક્કે શરીર પોતાનું જ પ્રોટીન ખાવા માંડે છે અને સ્નાયુઓ પણ ક્ષીણ પડવા માંડે છે. આ સ્ટેજને કેટાબોલિસિસ કહે છે.

હજી આ તબક્કે પણ આપણું શરીર ખોરાકની આશામાં શરીરના ઓછા મહત્ત્વના કોષોને જ તોડવાનું વલણ અપનાવે છે.

આખરે ગ્લુકોઝ, ફેટી એસિડ, પ્રોટીન અને મસલ માસ આ બધાનો જથ્થો ખૂટી પડે ત્યારે શરીરનો અંત નજીક આવવા માંડે છે. હૃદયને ટકી રહેવા માટે શરીરમાં પોષક તત્ત્વો બચતાં જ નથી. એટલે મોટે ભાગે વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થાય છે.

કેટલાંક વીરલાં આવા પણ થઈ ગયા છે…

મહાત્મા ગાંધી પોતાના જીવનમાં સત્તર વખત ઉપવાસ પર ઉતર્યા હતા. તેમાં એમણે ત્રણ વખત 21-21 દિવસના ઉપવાસને અંતે પારણાં કર્યાં હતાં. સ્વતંત્રતા સેનાની જતીન દાસે 1929માં અંગ્રેજો વિરુદ્ધ 63 દિવસના ઉપવાસને અંતે દેહત્યાગ કર્યો હતો. જ્યારે મણિપુરનાં ‘આયર્ન લેડી’ એક્ટિવિસ્ટ ઈરોમ શર્મિલાએ લગાતાર 16 વર્ષ સુધી મોંએથી ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો. એમને નળી વાટે ફોર્સફુલ્લી પ્રવાહીકૃત ખોરાક આપવામાં આવતો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker