રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પોતાની વિરોધી પાર્ટીને અને તેના કાર્યકર્તાઓને ઉદેશીને અનેક વખત ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતા હોય છે પોતાની વિરોધી પાર્ટી કઈ રીતે બદનામ થાય તેવી હરકતો ક્યારેક ખોટી પણ સાબિત થતી હોય છે. જોકે પોતે ખોટા હોવા છતાં આ રાજનેતાઓ ખોટી માહિતી ફેલાવતા હોવાનું જોવા મળ્યું છે હાલમાં સુરતના ભાજપના નગરસેવક દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એક વ્યક્તિ ઊંઘતો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. આ સાથે જ એક ટિપ્પણી પણ કરવામાં આવી હતી. જોકે આ બધા વચ્ચે જે વ્યક્તિનો ફોટો મુકવામાં આવ્યો હતો તે ખુદ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવતા નગરસેવકની બોલતી બંધ થઈ ગઈ છે.
સુરત મનપાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના ગોપીપુરા કાર્યાલયમાં એક યુવક નશામાં સૂતો હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો. જેમાં તેમણે સાંજે 6:45 વાગ્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો, ગુજરાતમાં સાંજે 6:45 પછીના સમયમાં લોકો નશાની હાલતાં હોવાનું લોકો માને છે.
જોકે સમગ્ર મામલે તપાસ કરતાં કાર્યાલયમાં સૂતેલો યુવક હિમાંશુ અરવિંદ મહેતા ભાજપનો કાર્યકર નીકળ્યો હતો. મહત્વની વાત એ પણ છે કે ફોટો પાડનાર પણ ભાજપના કાર્યકર જયરાજ રામચંદ્ર સાહુકાર હોવાનું ખૂલ્યું હતું.
. આ ફોટા અંગે પ્રશાંત બારોટે માફી પત્ર પણ લખ્યું છે તેમાં જણાવ્યું છે કે અમે બધા મિત્રો છીએ. અમે મજાકમાં ફોટો પાડ્યો હતો. કોઈને બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી.
બીજી તરફ આપના મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું, આમ આદમી પાર્ટીએ જે રીતે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, તેને કારણે ભાજપમાં ફફડાટ જોવા મળ્યો છે, જેથી આપને બદનામ કરવા ભાજપ આ પ્રકારના નિર્લજ્જ પ્રયાસ કરે છે, જે ભાજપની જૂની રીત ભાત છે.
ફોટો પોસ્ટ કરનાએ ભાજપના કોર્પોરેટર વ્રજેશનું કહેવું છે કે આપ આદમી પાર્ટીનો આ અસલી ચહેરો છે, દારૂ પીધેલો ભાજપનો સક્રિય કાર્યકર નથી, જોકે ફોટા ભાજપના કાર્યકરે પાડ્યા છે. હિમાંશુ માત્ર ચૂંટણી વખતે મદદ માટે છે. પણ તે હાલ આપમાં છે.