વડોદરા: વડોદરા શહેરના માંડવી વિસ્તારના મંદિર પરિસરમાં આવેલી સસ્તા અનાજની દુકાનની જગ્યા ખાલી ન કરનાર વેપારીને ભાજપાના કાઉન્સિલરે લાફો ઝીંકી દીધો હતો. કાઉન્સિલર અને દુકાનદાર વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
વડોદરામાં કાઉન્સિલરે સસ્તા અનાજની દુકાનના વેપારીને લાફો ઝીંકી દીધો
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના માંડવી નજરબાગની પાછળ મહાદેવ મંદિરના પરિસરમાં એક દુકાન આવેલી છે. આ દુકાનમાં કિશનવાડીમાં 30, હરીકૃપા સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ચિમનભાઇ રાણા વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવે છે. આ દુકાન ખાલી કરાવવા માટે વોર્ડ નંબર-14ના ભાજપાના કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર અને દુકાનદાર દિનેશભાઇ રાણા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.
આજે સવારે દિનેશભાઇ રાણાની દુકાનમાં પુરવઠા ખાતાએ દરોડો પાડ્યો હતો. પુરવઠા વિભાગની કામગીરી ચાલતી હતી. તે સમયે ભાજપા કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર પોતાના 5થી 6 કાર્યકરો સાથે દુકાન ઉપર ધસી ગયા હતા. અને દુકાનદાર દિનેશભાઇ રાણાને દુકાન ખાલી કરાવવા માટે જણાવ્યું હતું. જોકે, દુકાનદારે પોતાની માલિકીની દુકાન હોવાનું જણાવી દુકાન ખાલી ન કરવા માટે જણાવતા મામલો બિચક્યો હતો.