ભાજપની એકતા યાત્રા Flop તો પાટીદારોની મા ઉમિયા રથયાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ

અમદાવાદઃ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણને લઇ હાલ ગુજરાતભરમાં હાલ ભાજપ સરકારની એકતા યાત્રા ચાલી રહી છે. જો કે આ એકતા યાત્રામાં ભાજપના જ નેતાઓથી લઇ લોકો હાજર રહેતા ન હોવાથી ફ્લોપ જઈ રહી છે, ત્યારે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલી રહેલી પાટીદારોના ઉમિયા રથયાત્રામાં પાટીદારો સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી રહ્યા છે. તેથી એવું કહી શકાય કે ભાજપ સરકારની એકતા યાત્રા સામે પાટીદારોની ઉમિયા રથયાત્રા સફળ રહી છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પાટીદારોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં કોઇ ફરકતું નથી

સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણ પૂર્વે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાત બે તબક્કામાં એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ એકતા યાત્રામાં મોટાભાગના ભાજપના સાંસદો, ધારાસભ્યો કોર્પોરેટરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેતા નથી. ખાસ કરીને અમદાવાદમાં નીકળેલી એકતા યાત્રાને ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ પાટીદારોની વધુ વસતી ધરાવતા અમરેલી, નિકોલ, બાપુનગર અને નરોડા જેવા પૂર્વ વિસ્તારમાં એકતા યાત્રામાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

જે નેતાઓ જોડાય છે તે પણ અધવચ્ચે રવાના થઇ જાય છે

આ અંગે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ હોવાથી સારો પ્રતિસાદ મળતો નથી. મોટા ભાગની અમદાવાદની વિધાનસભામાં ધારાસભ્યો પણ એકતા યાત્રા જોડાતા નથી. જે ધારાસભ્યો યાત્રામાં જોડાઈ છે તેઓ નિરસ વાતાવરણ જોઈને અધવચ્ચે રવાના થઈ જાય છે.

ભાજપના નેતાઓ મા ઉમિયા રથ યાત્રામાં જાય છે પણ એકતા યાત્રામાં નહીં

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકામાં પણ એકતા યાત્રા ફ્લોપ પૂરવાર થઈ રહી છે,તો બીજી બાજુ વિશ્વ પાટીદાર ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રથયાત્રા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મા ઉમિયાની રથયાત્રાને પાટીદાર સહિત અન્ય જ્ઞાતિઓ અને સમુદાયો પણ સત્કારી રહ્યા છે. ખાસ કરી ભાજપના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉમિયા રથયાત્રામાં પગપાળા જોડાય છે, પરંતુ ભાજપ સરકારની એકતા યાત્રામાં આ ધારાસભ્ય રસ દાખવતા નથી. તે જોતાં એવું કહી શકાય કે ભાજપ સરકારની એકતા સામે પાટીદારોની ઉમિયા રથયાત્રા અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે ચાલી રહી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : 75,000 ગુજરાતીઓ મોદીનો કરશે વિરોધ, 72 ગામમાં નહીં સળગે ચૂલો

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરશે.

નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિયોજનાથી પ્રભાવિત લગભગ 75,000 આદિવાસી પ્રતિમાના અનાવરણ અને વડાપ્રધાનનો વિરોધ કરશે. આદિવાસી નેતા ડૉકટર પ્રફુલ વસાવાએ કહ્યું, “તે દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.”

આદિવાસી સમાજના રિવાજ મુજબ, ઘરમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થવાથી શોકરૂપે અમે ઘરમાં જમવાનું બનાવતા નથી. તેમણે કહ્યું, “આદિવાસીઓના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આપણા ગુજરાતના મહાન સપૂત સરદાર પટેલ સાથે કોઈ વિરોધ નથી અને તેમનું સન્માન કરવુ જોઈએ. અમે તેમના વિરુદ્ધ નથી, પરંતુ સરકારનો વિકાસનો વિચાર એકબાજુ અને આદિવાસીઓ વિરુદ્ધ છે.” આદિવાસી સમાજ ફરિયાદ કરી રહ્યો છે કે તેમની જમીનો ‘સરદાર સરોવર નર્મદા પરિયોજના’ તેની નજીક સ્થિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ તથા તેની સાથે-સાથે વિસ્તારમાં પ્રસ્તાવિત અન્ય પર્યટન ગતિવિધિઓ માટે લેવામાં આવી છે.

વસાવા મુજબ, ‘અસહયોગ આંદોલનને’ પ્રદેશના લગભગ 100 નાના-મોટા આદિવાસી સંગઠન સમર્થન આપી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સુધી લગભગ નવ આદિવાસી જિલ્લા આંદોલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું, “31 ઓક્ટોબરે ‘બંધ’ ફક્ત શાળા, કાર્યાલયો અથવા વ્યવસાયિક સંસ્થાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ ઘરમાં જમવાનું ન બનાવીને વિરોધ વ્યક્ત કરાશે.” નર્મદા નદીની પાસે સાધુ બેટ દ્વિપ પર સતત લગભગ 3400 મજૂર અને 2500 એન્જિનિયર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને અંતિમ રૂપ આપી રહ્યાં છે. નર્મદા બંધના નિચેના વિસ્તારમાં આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, જેની પાછળ લગભગ 2389 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરદાર પટેલના હૃદયમાંથી જુઓ નર્મદા ડેમ અને વિધ્યાંચલની પર્વતમાળાઓ

રોજનાં 15000 પ્રવાસીઓ લેશે મુલાકાત

લોકાર્પણ બાદ રોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પર્યટકો માટે મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. સાથે ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.

31 ઓક્ટોબરે PM મોદી કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ માટે તૈયાર છે. આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી આ પ્રતિમાને લોકાર્પિત કરવાના છે. ત્યારે વહીવટી તંત્રએ દિવસ-રાત દોડધામ કરી લોકાર્પણને સફળ બનાવવા કમર કસી છે.

1.23 કરોડનાં ખર્ચે થશે લાઇટિંગથી સુશોભિત

આ સ્ટેચ્યૂને 1.23 કરોડના ખર્ચે કાયમી લાયટીંગથી સુશોભિત કરાયું છે. આ સાથે તેને રંગબેરંગી લાઈટોથી સજાવવા માં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિલોમીટરના વિસ્તારને LED લાઈટથી સજાવવા તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.. સ્ટેચ્યુની ફરતે 3 અલગ અલગ મોટા ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે.. જેમાં એક પોલ પર 24 વ્હાઇટ ફ્રેઝર લાઈટ લગાવામાં આવશે. સામેના પોલ પર 50થી વધુ લાઈટો લગાવાશે. એક લાઈટ 1000 વૉલ્ટની હશે.. આ લાઇટિંગનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તેવા એંધાણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top