સુરતઃ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની અસ્થિનું વિવિધ રાજ્યોની 100 નદીમાં ભાજપ દ્વારા વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પણ આજે (શનિવારે) અટલજીની અસ્થિ વિસર્જન યાત્રા યોજાઈ છે. જેમાં હાજર રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અટલજીને દેશના સપૂત કહ્યાં હતાં. અને ઉપવાસ કરનારા હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો કોંગ્રેસના એજન્ટ બની ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અટલજીની ચેતના કાયમ રહેશેઃ વાઘાણી
અટલજીની કળશ યાત્રા વરાછાના હિરાબાગથી શરૂ થઈ હતી. આ તબક્કે હાજર રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અટલજીએ દેશની ખૂબ સેવા કરી હતી. કવિ હ્રદય અટલજી દેશ માટે પોતાની જાત ઘસી નાખી હતી. તેવા દેશ ભક્ત અને ભારત રત્ન અટલજીના અસ્થિનું દેશની 100 નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે સુરતની તાપી નદીમાં જહાંગીરપુરા કુરુક્ષેત્ર ખાતે શાસ્ત્રોક્ત વિધી મુજબ તાપી નદીમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.
અસામાજિક તત્વો સામાજિક નામે આવ્યા
હાર્દિકના ઉપવાસ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો સામાજિક નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના વર્ષો જૂના એજન્ડા સામે આવી રહ્યાં છે. અને ગુજરાતની જનતાએ એક બાજુથી જાકારો આપ્યો તો સામાજિક નામે કોંગ્રેસ એજન્ટો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાતના લોકો જાણે છે અને વર્ગ વિગ્રહની પરિસ્થિતિ પેદા નહીં થવા દે. વર્ગવિગ્રહથી કોઈનું ભલું થતું નથી ત્યારે કોંગ્રેસ ક્યારેય નહીં ફાવે તેમ વધુમાં જણાવી હાર્દિક પર પ્રહારો કર્યા હતાં.