GujaratNewsPoliticsRajkotSaurasthra - Kutch

હાર્દિકના અંગે પાટીદાર મહિલાનો BJP ધારાસભ્યો સાથેની વાતચીતનો ઓડિયો આવ્યો સામે

“હાર્દિકને મળવા જાવ છું. કાલે મારા પતિ ગયા હતા. તેમને દંડા માર્યા. તમે એ લોકોને કંઈ કહો નહીં?”

રાજકોટઃ અનામત માટે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં અનેક લોકો આવી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજ્યમાં ઠેરઠેર હાર્દિકના સમર્થનમાં વિવિધ કાર્યક્રમાં યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના ધારાસભ્યોના પાટીદાર મહિલા સાથેના ઓડિયો પણ સામે આવ્યા છે. જેમાં મહિલા હાર્દિકને મળવા જવા દેવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરી રહી છે. જ્યારે બીજેપીના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી આ અંગે વાતચીત કરવાનું ટાળી રહ્યાનું સાંભળવા મળે છે.

અરવિંદ રૈયાણી સાથે પાટીદાર મહિલાની વાતચીત

મહિલાઃ હાર્દિકનું આંદોલન ચાલે છે એમાં અમે લોકો આવ્યા હતા તો દંડા મારવામાં આવ્યા.

અરવિંદભાઈઃ બેન તમે લોકો ક્યાં આવ્યા હોય એ કેમ ખબર પડે. હું અલ્પાપાર્કમાં રહું છું. તમે આવજો. તમારા ભાભી ઘરે હશે. આપણે બેસીને ચર્ચા કરીશું. આવજો બહેન…

મહિલાઃ આવજો નહીં વાત તો સાંભળો.

ગોવિંદ પટેલ સાથે પાટીદાર મહિલાની વાતચીત

મહિલાઃ હાર્દિકને મળવા જાવ છું. કાલે મારા પતિ ગયા હતા. તેમને દંડા માર્યા. તમે એ લોકોને કંઈ કહો નહીં?

ગોવિંદભાઈઃ બે-ત્રણ લોકો જાવ તો કોઈ કંઈ ન કરે.

મહિલાઃ ભાઈ, હું મારો બાબો અને મારા પતિ જ હતા.

ગોવિંદભાઈઃ એ સમયે કંઈક માથાકૂટ થઈ હશે એટલે રોક્યા હશે. મળવાની ના ન કહે. આજે લોકો જઈ જ રહ્યા છે.

મહિલાઃ તમે લોકો કંઈક તો કહે, તમારે વોટની જરૂર હતી ત્યારે અમે તમને આપ્યા હતા.

ગોવિંદાભઈઃ વોટની વાત છોડો બેન. તમે ક્યાં રહો છો, કોણ બોલો છો એ મને ખબર નથી. વોટની વાત ફોન પર ન થાય.

મહિલા: ફોન પર ચર્ચા કેમ ન થાય?

ગોવિંદભાઈઃ ફોન પર કોઈ ચર્ચા ન થાય.

ગોંડલના દેરડી ગામે હાર્દિકના સમર્થનમાં રામધૂન

રાજકોટ જિલ્લાના ગોંડલના દેરડી ગામે હાર્દિક પટેલના સમર્થનમાં ખેડૂતોએ રામધૂનનું આયોજન કર્યું છે. હાર્દિકના 11 દિવસના ઉપવાસ પૂરા થતાં આજે 11 ખેડૂતોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો. મૂંડનની સાથે સાથે ખેડૂતોએ જય સરદારના નારા લગાવ્યા હતા. સાથે જ ખેડૂતોએ દેવા માફી તેમજ 2016-2017ના કપાસના વીમાના પણ માંગણી કરી હતી.\

હાર્દિકનો આરોપ: ભાજપ હિંસા કરવાની તૈયારીમાં, સૌ સતર્ક રહો બદનામ કરવા રમત રમશે

હાર્દિકે સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બધાને સાવચેત રહેવા કહ્યું હતું. 11 દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, આંદોલનને તોડવા અને બદનામ કરવાનો ભાજપનો ખેલ ખેલેશે તેમ જણાવી તેણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અને યુવાનો આપણે ધીરજ રાખવી. ભાજપ કે પોલીસની સામે ઘર્ષણમાં ના ઉતરો, ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને અધિકાર માંગો. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 12 દિવસ છે. તેના ઉપવાસના 11માં દિવસે સરકાર સફાળી જાગી હતી. મંત્રી સૌરભે પટેલે હાર્દિકને તેના સ્વાસ્થ્યની સરકાર ચિંતા કરે છે તેવું જણાવ્યું હતું.

સરકાર સાથે પાટીદાર અગ્રણીઓની મંત્રણા, હાર્દિકે કહ્યું ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધ નથી

સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજાતેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ મારા સાથે જ ચર્ચા કરે.

તમામ મુદ્દાઓ અંગે હકારાત્મક વિચારણા કરીશુ, હાર્દિક ડોક્ટરોને સહકાર આપેઃ સૌરભ પટેલ

પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે.

હાર્દિકને મળનાર નરેન્દ્ર મોદી અને ગુજરાત વિરોધી: સૌરભ પટેલ

બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ. સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.

આંદોલન સમગ્ર દેશમાં લઇ જવાશે, ગુજરાત મોડલ નહીં ચાલે: શત્રુઘ્ન સિન્હા

ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ હાર્દિકના નિવાસ સ્થાને મુલાકાત કરીને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. 11માં દિવસે ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુધ્ન સિંહાએ હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો જેવા કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેનો શત્રુધ્ન સિંહાએ જવાબ આપ્યો હતો કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી પરંતુ સર્વપક્ષો પ્રેરિત છે. ઉપરાંત સિંહાએ જણાવ્યું કે, ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે, હાર્દિક પટેલના આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker