પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા આવતીકાલે એક દિવસના પ્રતીક ઉપવાસ-આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સરકાર વિરુદ્ધ મોરચો માંડનાર આંદોલનકારીઓના આ કાર્યક્રમને સફળ નહીં થવા દેવા સરકાર પણ કટિબદ્ધ બની ગઈ છે. સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ અપાયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવા પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તો બીજી તરફ મંજૂરી વગર થનારા આ આંદોલનને રોકવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ માટે સરકારની સૂચના મુજબ પોલીસ દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે.
મંજૂરી વગર ઉપવાસ આંદોલન કરનારા હાર્દિક પટેલ સામે કાયદા મુજબનો તખ્તો તૈયાર કરાયો હોવાના અહેવાલ સૂત્રો પાસેથી મળ્યાં છે. એવું મનાઈ રહ્યું છે કે આવતીકાલે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને તેનાં સાથીદારોને આંદોલન સ્થળે જતાં અટકાવાશે અને જો તેઓ કાયદો પોતાનાં હાથમાં લેવાનાં પ્રયત્નો કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. આમ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તેનાંથી બનતાં તમામ પ્રયત્નો હાથ ધરશે.
હાર્દિક પટેલે કહ્યું કે, “પાર્કિંગમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉંડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસનો ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 501 કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરવાથી અમને કોઈ રોકી નહિ શકે અને ત્યાંથી હટાવી પણ નહીં શકે.”
હાર્દિકે જણાવ્યું કે, “આવતીકાલે નિકોલ ગ્રાઉંડમાં બનાવેલા પાર્કિંગમાં ગાડીમાં જ બેસીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયને શ્રદ્ધાંજલિ પણ આપીશું. સરાકરે જાહેર કરેલા રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું.” હાર્દિકનો આરોપ છે કે, તે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવતો હોવાથી સરકારે તેને નિકોલ ગ્રાઉંડમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી.