પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી મોટી જાહેરાત કરતા કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.5નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ હિસાબે ગુજરાતના લોકોને પેટ્રોલ અને ડીઝલ રૂ. 5 સસ્તુ મળશે. આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કરી હતી.
કેન્દ્ર સરકારે પોતાની એક્સાઇઝ ડ્યૂટીમાં 1.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતાની કિંમતમાં રૂ. 1નો ઘટાડો કરશે. કુલ મળીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો થયો છે.
સાથે જ જેટલીએ એવી પણ જાહેરાત કરી છે કે તેઓ રાજ્ય સરકારોને પણ વિનંતી કરશે કે પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવતા વેટના દરમાં ઘટાડો કરે.
ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ ઘટી શકે
જેટલીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. આ વખતે ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેટલીની રૂ. 2.5ની ઘટાડાની જાહેરાત બાદ શક્યતા છે કે ભાજપ શાસિત રાજ્યો વેટમાં ઘટાડો કરી શકે છે. જેનાથી જે-તે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. 2.5 કરતા વધારો ઘટાડો થઈ શકે છે.
કેન્દ્રીય નાણાં મંત્રીની રાજ્ય સરકારને વેટ ઘટાડવા અપીલ
કેન્દ્રીય નાણાંમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શેરબજાર, પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે ઉંડાણપૂર્વક વાત કરી હતી. તેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રુપિયા 1.50 સુધી ઘટાડવામાં આવશે. તેમજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 1 રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રની જાહેરાતની થોડી મિનિટ્સમાં જ રાજ્ય સરકારે કર્યો ઘટાડો
તેની સાથે સાથે નાણાંમંત્રીએ રાજ્ય સરકારને પણ વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જેટલીની આ અપીલ પછી ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સીએમ રુપાણીએ ટ્વિટ કરીને ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી.
સપ્ટેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા નાયબ મુખ્યમંત્રીએ કર્યો હતો ઈન્કાર
પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ 10 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાતમાં પણ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે આમછતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા તૈયાર નહોતી. માત્ર એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં.આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડ્યો છે. આખા દેશમાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25થી 30 ટકા ટેક્સ છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.