નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે OBC(અન્ય પછાત વર્ગ) માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરીમાં OBCની માહિતી પણ સાથે જ એકઠી કરશે અને અન્ય પછાત વર્ગની વસ્તીના આંકડા જાહેર કરવાની લાંબા સમયથી પેન્ડિંગ પડેલી માગણી મુજબ આંકડા જાહેર કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પછાત વર્ગમાં પણ જે અંતિમ કેટેગરીમાં તેમને વધુ લાભ દેવાની સુવિધા ઉભી થશે તો આ સાથે જે જાતિઓ ફક્ત ઓબીસીના શિર્ષક હેઠળ દબાઈ ગઈ છે તેમનું પણ ઉપવર્ગિકરણ સંભવ બનશે.
દેશમાં છેલ્લા 90 વર્ષમાં પહેલીવાર દશકાની મુખ્ય વસ્તિગણતરીમાં જાતિની ગણના કરવામાં આવશે. આ કારણે દેશમાં કુલ કેટલી જાતી બેકવર્ડ છે અને તેમની સંખ્યા કેટલી છે તેનો ખ્યાલ આવશે જેના આધારે OBC પર લગાવવામાં આવેલ 50%ની મર્યાદા પણ દૂર કરવામાં આવી શકે છે.
મોદી સરકારનો આ નિર્ણય 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ OBC મતદારોને મનાવવા માટે કારગર સાબિત થઇ શકે છે. એટલું જ નહીં મોદી સરકારે વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર કરવા માટેનો સમય પણ 5 વર્ષથી ઓછો કરીને ત્રણ વર્ષનો કરી દીધો છે. એટલે કે 2021ની વસ્તીગણતરીના આંકડા 2024માં સામે આવશે.
અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી.ઘણા સમયથી વિવિધ પાર્ટીના ઓબીસી નેતાઓ પણ અન્ય પછાત વર્ગના આંકડા જાહેર કરવા માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેના આધારે તેમની વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે.
આ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુ થી લઇ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ સાથે જ 2021માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની 55 વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવી છે.