દિવાળીના સફાઈમાં કેન્દ્ર સરકાર પણ જોડાઈ ગયું, ભંગાર વેંચીને કરી તોતિંગ કમાણી

દિવાળીના પર્વમાં ઘરની સફાઈની પરંપરા ચાલતી આવી છે. હવે જેમાં કેન્દ્ર સરકાર પણ જોડાઈ ગઈ છે. સફાઈ અભિયાન દરમિયાન કેન્દ્ર સરકારની ઓફિસોમાંથી 13 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરાયો છે. તેના કારણે હવે 8 લાખ સ્કેવરફૂટ જગ્યા ઉપલબ્ધ થઈ ગઈ છે. આટલા વિસ્તારમાં ચાર રાષ્ટ્રપતિ ભવન બંધાઈ શકે તેટલી જગ્યા વધી છે.

કેન્દ્ર સરકારના મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ દ્વારા આ કામગીરીની સમીક્ષા કરીને જણાવવામાં આવ્યું હતુ કે, સરકાર દ્વારા ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતુ કે, 15 લાખ જુની ફાઈલોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી 13 લાખ ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે.

જ્યારે બીજી તરફ 3.81 લાખ જેટલી ફરિયાદો લોકો તરફથી મળી આવી હતી અને તેમાંથી 2.91 લાખ ફરિયાદો પર 30 દિવસમાં એક્શન લેવામાં આવેલ છે. સાંસદો દ્વારા 11057 પત્ર લખવામાં આવ્યા હતા અને તેમાંથી 8000 પત્રોનો જવાબ આપી દેવાયો છે. કેન્દ્ર સરકારના મંત્રી ડો. જિતેન્દ્ર સિંહના કહેવા મુજબ, પેન્ડિંગ કેસનો નિકાલ કરવાનુ અભિયાન પીએમ મોદીના નિર્દેશ પર ચલાવવામાં આવ્યું હતુ. આ માટેનો પ્રોગ્રેસ રિપોર્ટ એક અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે.

Scroll to Top