વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે વિપક્ષી દળોના આરોપોને રાજનીતિથી પ્રેરિત અને ખોટા ગણાવ્યા છે.
ભારતમાં રામ મંદિર બનાવવાની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે. ત્યારે એવા સમયે વિપક્ષી દળો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે રાજકારણ ગરમાતા હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ મામલે સ્પષ્ટતા કરતા ચંપત રાયે જણાવ્યું કે, 9 નવેમ્બર 2019 ના રોજ શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ અયોધ્યામાં જમીન ખરીદવા માટે દેશના કેટલાય લોકો આગળ આવ્યા. તો ખુદ ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના વિકાસ માટે મોટી માત્રામાં જમીન ખરીદી છે આ કારણે અયોધ્યામાં જમીનોના ભાવ વધી ગયા હતા.
ચંપત રાયે વિપક્ષના આક્ષેપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, જે ભૂખંડ પર ચર્ચા કરવામાં આવી રહી છે તે રેલવે સ્ટેશન પાસેની એક મોકાની જગ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યારસુધી જેટલી જમીન ખરીદી છે તે બજાર કિંમત કરતા ઓછા ભાવે ખરીદી છે.
તો જે જમીનની ખરીદીને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે તે મામલે સ્પષ્ટતા કરતા ચંપત રાયે જણાવ્યું કે, એ જમીનને ખરીદવા માટે વર્તમાન વિક્રેતાઓએ વર્ષો પહેલા જે ભાવો પર રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ કર્યું હતું તે જમીનને તેમણે 18 માર્ચ 2021ના રોજ બેનામ કરાવી હતી. બાદમાં ટ્રસ્ટ સાથે એગ્રીમેન્ટ કર્યું હતું.