“હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે.”
પાટીદારની મુખ્ય છ સંસ્થાના પ્રતિનિધિઓ અને હાર્દિક પટેલના પ્રતિનિધિઓ વચ્ચે આજે સવારે બેઠક મળી હતી. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરત, કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાન તરફનના પ્રતિનિધિઓ સવારે પાસના પ્રતિનિધિઓને મળ્યા હતા. બાદમાં છ પાટીદાર ધાર્મિક સંસ્થાના પ્રતિનિધ સી.કે.પટેલે મીડિયાને સંબોધતા બેઠક હકારાત્મક રહી હોવાનું જણાવ્યું હતું. જોકે, સી.કે.પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ પાસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું હતું કે સી.કે.પટેલે પાસની અધિકૃત ટીમ કે હાર્દિક પટેલ સાથે કોઈ જ ચર્ચા કરી નથી. તેઓ ભાજપની સરકારના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
મુલાકાત સારી રહીઃ સી.કે.પટેલ
સી.કે.પટેલે મંગલવારે સરકાર સાથે થયેલી વાતચીત અંગે જણાવ્યું કે, “ખેડૂતોના પ્રશ્નો તેમજ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે સરકાર સાથે ખૂબ આક્રમક રજૂઆત કરી છે. સરકારે પણ ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં ફરીથી આવું ન થાય તે માટે સંદેશ પાઠવ્યો છે. બુધવારે સવારે સારા વાતાવરણ વચ્ચે પાસના આગેવાનો અને સંસ્થાના વતીથી આર.પી પટેલ વચ્ચે સારી મુલાકાત થઈ હતી. હાર્દિક પટેલ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તે બાદમાં આગળ કંઈક થઈ શકે છે.”
ગેરસમજ થઈ છેઃ સી.કે.પટેલ
સી.કે.પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ પાસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાસના પ્રતિનિધિ મનોજ પનારાએ કહ્યું હતું કે, “સી.કે.પટેલ સાથે તેમના કોઈ પણ પ્રતિનિધિને રૂબરૂ કે ટેલિફોનિક કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. જે લોકોએ તેમની સાથે વાતચીત કરી છે તે લોકો પાસના પ્રતિનિધિઓ નથી.” પાસના આવા નિવેદન બાદ સી.કે.પટેલે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, “આ બાબતે થોડી ગેરસમજણ થઈ છે. પાટીદારની છ સંસ્થાઓ અનામત મુદ્દે કોઈ જ વાતચીત નહીં કરે. જો હાર્દિક પટેલ લેખિતમાં રજુઆત કરશે તો જ સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે.”
સી.કે.પટેલ સરકારના એજન્ટઃ મનોજ પનારા
પાસ તરફથી મીડિયાને નિવેદન આપતા મનોજ પનારાએ કહ્યું કે, “સી.કે. પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. સમાજની સંસ્થા સાથે જોડાયેલા હશે પરંતુ પાસની ઓથોરાઇઝ ટીમ સાથે તેમણે કોઈ ચર્ચા કરી નથી. રૂબરૂ કે ટેલિફોનિક કોઈ વાત નથી થઈ. હાર્દિકની મુલાકાતે સંસ્થાના આગેવાનો આવ્યા હતા તે પણ ઔપચારિક મુલાકાત હતી. હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી થવું તેવી કોઈ જ ચર્ચા મુલાકાત દરમિયાન થઈ નથી. આ ફક્ત શુભેચ્છા મુલાકાત જ હતી. ઘણા મિત્રો પાસના નામે ચરી ખાય છે. પોતાને પાસના નેતા બતાવે છે. સી.કે.પટેલ ભાજપના એજન્ટ બનીને દેવામાફી તેમજ પાટીદારને આંદોલન મુદ્દે વિલનની ભૂમિકા નિભાવી રહ્યા હોવાની અમને આશંકા છે. હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે.
સરકાર બોલાવશે તો અમે વાતચીત કરીશુંઃ પાસ
“ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકના સારા સ્વાસ્થ્ય તેમજ હાર્દિકને સમર્થન કરવા માટે આવ્યા હતા. પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવામાફી મુદ્દાઓને લઈને કોઈ પણ વ્યક્તિ મધસ્થી કરશે અથવા સરકાર સીધી જાહેરાત કરશે તો પણ અમને મંજૂર છે. સરકાર કંઈક આપવા માંગતી હોય અને તેનાથી પાટીદાર સમાજને લાભ થતો હશે તો અમે તેમની ઓફરનો સ્વીકાર કરીશું. સરકાર બોલાવશે તો અમે સામેથી પણ જઈશું. ભૂતકાળમાં પણ સરકારે બોલાવ્યા છે ત્યારે અમે ગયા છીએ. હવે લોલીપોપ આપવાની કે મેલી મુરાદ નહીં ચાલે. અમે છેતરાશું નહીં.”
પાસે ત્રણ કાર્યક્રમો આપવાની કરી જાહેરાત
પાસ તરફથી આગામી દિવસોમાં ત્રણ કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણેઃ
1) ગુરુવારે ગુજરાતના 182 એમએલએ, 26 સાંસદ અને ગુજરાતના તમામ રાજ્ય સભાના મેમ્બરોને પાસ અને ગુજરાતનો ખેડૂત સમાજ ફોન કરીને ખેડૂતોના દેવા માફીમાં સહમત છો કે નહીં, પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તે બે મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવશે. આ જવાબને રેકોર્ડ કરીને હાર્દિક પટેલ સુધી પહોંચાડવામાં આવશે.
2) શુક્રવારે એક ફોર્મ લઈને ગુજરાતના તમામ 182 ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના મેમ્બરોના ઓફિસ અને ઘરે પાસના કાર્યકરો પહોંચશે. જેમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ અંગે તેઓ સહમત છે કે નહીં તેની સહિ લેવામાં આવશે. જો કોઈ ફોર્મ પર સહિ આપવાનો ઇન્કાર કરશે તો એવું માની લેવામાં આવશે કે તેઓ હાર્દિક સાથે સહમત નથી.
3) રવિવારના રોજ પાટણથી મા ખોડના મંદિરથી ખેડૂત સમાજ ઉમા-ખોડલનો રથ લઈને ઉંઝા ધામમાં આવશે. આ રથ પાટણથી પગપાળ ઉંઝા આવશે. રસ્તામાં આવતા તમામ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો રથનં સ્વાગત કરશે. આ રથ ઉંઝા પહોંચ્યા બાદ હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ભગવાને સરકારે સદબુદ્ધિ આપે અને પાટીદારોને અનામત મળે તે માટે પાર્થના કરવામાં આવશે.
હાર્દિકને મળનાર નરેન્દ્ર મોદી અને ગુજરાત વિરોધી: સૌરભ પટેલ
બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ. સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.
આંદોલન સમગ્ર દેશમાં લઇ જવાશે, ગુજરાત મોડલ નહીં ચાલે: શત્રુઘ્ન સિન્હા
ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ હાર્દિકના નિવાસ સ્થાને મુલાકાત કરીને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. 11માં દિવસે ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુધ્ન સિંહાએ હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો જેવા કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેનો શત્રુધ્ન સિંહાએ જવાબ આપ્યો હતો કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી પરંતુ સર્વપક્ષો પ્રેરિત છે. ઉપરાંત સિંહાએ જણાવ્યું કે, ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે, હાર્દિક પટેલના આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.