રાજ્યમાં ફરી એકવાર પાટીદારોનું અનામત માટેનું આંદોલન સક્રિય થયું છે. જે અંતર્ગત હાર્દિક પટેલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે આ ઉપવાસ આંદોલનના એક દિવસ પહેલા જ હાર્દિકને મોટો ઝટકો મળ્યો છે. હાર્દિકે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન માટે માગેલી મંજૂરીને કલેક્ટરી નકારી દીધી છે.
કલેક્ટરે ન આપી મંજૂરી
આ વિશે ગાંધીનગરના કલેક્ટર એસ.કે લાંબાએ શુક્રવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પોલીસ સાથે ચર્ચા અને અભિપ્રાય બાદ સુરક્ષાના કારણોસર આ પ્રકારના આંદોલન માટે પરમીશન નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાર્દિકે સત્યાગ્રહ છાવણી માટે માગી હતી મંજૂરી
આ પહેલા ગાંધીનગરમાં પાસ કમિટિના સભ્ય ઉત્પલ પટેલના નામથી સત્યાગ્રહ છાવણીમાં આમરણ ઉપવાસ આંદોલન માટે પરવાનગી માગવામાં આવી હતી. આયોજકોએ 25,000 લોકો એકઠા થશે એવો દાવો કર્યો હતો. જોકે કલેક્ટરના આ નિર્ણય બાદ હવે હાર્દિક પોતાના ઘરેથી જ ઉપવાસ આંદોલન શરૂ કરી શકે છે.
રાજયમાં પાટીદારોને અભ્યાસમાં અનામતનો લાભ, ખેડૂતોની લોન માફી અને નોકરી જેવા મુદ્દાઓ સાથે આમરણાંત આંદોલન કરવાની જાહેરાત હાર્દિકે કરી હતી. આ માટે હાર્દિકે સૌથી પહેલા અમદાવાદના નિકોલમાં પરવાનગી માગી હતી. પરંતુ તેને પરવાનગી મળી નહોતી. જે બાદ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન માટે પરવાનગી માગી હતી. હાર્દિક આ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે જો તેને આંદોલન માટે પરવાનગી નહીં મળે તો તે ઘરેથી જ ઉપવાસ આંદોલન કરશે.