સુરતનો પ્રેમી-પ્રેમિકાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીએ પ્રેમિકાને મેળવવા તમામ હદો પાર કરી નાખી હતી. સુરતમાં કોલેજમાં ભણનાર યુવતીને તેની જ કોલેજમાં ભણનાર યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ દરમિયાન બંને પ્રેમમાં ખાસ્સા આગળ પણ વધી ગયા હતા. તેમ છતાં પ્રેમસંબંધના ત્રણ વર્ષ બાદ પ્રેમી અલગ જ્ઞાતિનો હોવાની જાણ થતાં જ યુવતીએ તેની સાથે સંબંધો તોડી દીધા હતા. જેના કારણે પ્રેમીને પ્રેમિકાના આ નિર્ણયથી ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેણે તેની સામે બદલો લેવાનો નક્કી કરી લીધું હતું.
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેનાર 21 વર્ષની યુવતી ચાર વર્ષ પહેલા ધારુકવાળા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે સમયે યુવતીને પોતાની સાથે ભણનાર દિવ્યેશ લિંબડ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતી અને દિવ્યેશ સાથે ફરતા પણ હતાં. યુવતીનો આક્ષેપ છે કે, તે વખતે દિવ્યેશ તેની સાથે પ્રાઈવેટમાં અયોગ્ય હરકતો કરીને તેના ફોટા પણ પાડતો હતો.
યુવતી અને દિવ્યેશની લવ સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો, જ્યારે યુવતી ને ખબર પડી કે, દિવ્યેશ તેની કાસ્ટનો નથી. બંનેની જ્ઞાતિ અલગ હોવાના કારણે આ સંબંધ આગળ વધારવો શક્ય ન હોવાનું કહી યુવતીએ દિવ્યેશ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. જેના કારણે દિવ્યેશ હચમચી ગયો હતો અને તે યુવતી નવા નિર્ણયથી ગુસ્સે થતા તેને અલગ-અલગ નંબર પરથી સતત ફોન કર્યા રાખતો હતો. જ્યારે તે ધમકી પણ આપતો હતો કે, તું મળવા ના આવી તો તે પોતાની પાસે રહેલા પર્સનલ ફોટોગ્રાફ્સ તેના પતિ અને ભાઈને મોકલી દેશે.
દિવ્યેશ દ્વારા જયારે અંગત ફોટોગ્રાફ્સ લીક કરી દેવાની ધમકી આપતા યુવતી તેને મળવા પણ ચાલી ગઈ હતી. તેણે દિવ્યેશને પોતાનો પીછો છોડી દેવા માટે પણ કહ્યું હતું. તેમ છતાં દિવ્યેશ માનવા માટે તૈયાર જ નહોતો. આ દરમિયાન યુવતીની એક યુવક સાથે સગાઈ પણ થઈ ગઈ હતી. જેની જાણ થતાં જ દિવ્યેશે ગમે તેમ કરીને યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવકનું નામ જાણી તેને ઈન્સ્ટાગ્રામ પર શોધી કાઢ્યો નાખ્યો અને તેણે ‘ક્યૂટ ગર્લ’ નામનું એક ફેક આઈડી બનાવીને યુવતીના મંગેતરને મેસેજ કરી પોતાની પાસે રહેલા અંગત ફોટોગ્રાફ્સ મોકલીને સગાઈ તોડાવી નાખી હતી.
સગાઈ તોડાયા બાદ પણ દિવ્યેશે યુવતી હેરાન કરવાનું શરૂ રાખ્યું હતું. તે તેને ફોન અને મેસેજ કરીને સતત મળવા આવવા માટે દબાણ કરી રહ્યો હતો. પંદરેક દિવસ પહેલા જ્યારે યુવતી પોતાની એક ફ્રેન્ડ સાથે પકોડી ખાઈ રહી હતી, તે દરમિયાન દિવ્યેશ અચાનક તેની પાસે આવી પહોંચ્યો હતો અને તેનો હાથ પકડી થોડે દૂર લઈ જઈ તેને ધમકી આપવા લાગ્યો હતો કે, તારે મારી સાથે સંબંધ રાખવા જ પડશે અને હું કહું ત્યારે તારે મળવા આવવું જ પડશે.
તેમ છતાં યુવતીએ દિવ્યેશની કોઈપણ વાત માનવાની ના પાડી દેતા દિવ્યેશે તેને ધમકી આપતા જણાવ્યું હતું કે, તારી એક સગાઈ તો મેં તોડાવી નાખી છે, અને આતો શરુઆત છે. તારું હું બીજે ક્યાંય નક્કી થવા દઈશ નહીં અને અંતે તારે મારી પાસે જ આવવું પડશે અને મારા સિવાય તારો કોઈ આરો નથી. દિવ્યેશની ધમકીથી ભયભીત થયેલી યુવતીએ અંતે આ બાબતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ત્યારબાદ કાર્યવાહી કરતા દિવ્યેશની ધરપકડ કરવાની પ્રકિયા શરૂ કરી દીધી હતી.