કોંગ્રેસમાં જોડાવવા માંગનાર સભ્યોને લઈને કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના સભ્ય બનવા માટે કોઈપણ વ્યક્તિએ દારૂ અને માદક પદાર્થો જેમ કે ડ્રગ્સથી દૂર રહેવાનો સંકલ્પ લેવો પડશે. તેની સાથે તેમને એફિડેવિડ પણ આપવું પડશે કે તે જાહેર મંચો પર ક્યારેય પાર્ટીની નીતિઓ તથા કાર્યક્રમોની આલોચના કરશે નહીં.
જ્યારે દેશની સૌથી જૂની પાર્ટીમાં સભ્ય સંબંધી અરજી પત્રમાં આ શરતોને લાગુ કરવામાં આવી છે. આ મુજબ કોંગ્રેસનું સભ્ય પદ લઈ રહેલા લોકોને હવે તે જાહેર કરવું પડશે કે, તે કાયદાકીય મર્યાદાથી વધુ સંપત્તિ રાખશે નહીં અને કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને આગળ વધારવા માટે ફિઝિકલ એફર્ટ અને જમીની મહેનત કરવાથી જરા પણ અસહજ અનુભવશે નહીં.
કોંગ્રેસ પાર્ટી દ્વારા એક નવેમ્બરથી શરૂ થઈ રહેલા સદસ્યતા અભિયાન માટે તૈયાર અરજી પત્રમાં 10 આવા બિંદુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના વિશે સભ્ય બનવા ઈચ્છુક લોકો દ્વારા પોતાની મંજૂરી આપવી પડશે. 16 ઓક્ટોબરના યોજાયેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં તે નિર્ણય લેવામાં આવ્યો છે કે સંગઠાન્મતક ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા આગામી એક નવેમ્બરથી આગામી વર્ષે 31 માર્ચ સુધી સભ્ય અભિયાન ચલાવવામાં આવશે.
તેની સાથે આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ નવા સભ્યોને પ્રતિજ્ઞા લેવી પડશે કે તે કોઈપણ પ્રકારની સામાજિક ભેદભાવની પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં, પરંતુ સમાજમાંથી તેને દૂર કરવા માટે જરૂર કામ કરશે. જ્યારે સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ‘હું નિયમિત ખાદી પહેરું છું, હું દારૂ અને ડ્રગ્સથી દૂર રહું છું, હું સામાજિક ભેદભાવ અને અસમાનતા કરતો નથી, પરંતુ તેને સમાજમાંથી દૂર કરવામાં માનું છું અને હું પક્ષ દ્વારા સોંપવામાં આવેલ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશ.’