GujaratNewsPolitics

ભાજપની અહંકારી સરકાર ખેડૂતપુત્ર હાર્દિક સાથે સીધો સંવાદ સાધેઃ કોંગ્રેસનું CMને અલ્ટીમેટમ

ગાંધીનગર: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કોંગ્રેસ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમજ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી ઓફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવુ માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી.

સરકારને 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કોંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમજ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં, આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરસે અને વિરોધ વ્યક્ત કરશે.

રૂપાણીએ પણ કબૂલ્યું કે હાર્દિકનું ઉપવાસ આંદોલન સંવેદનશીલ બાબત છે

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના પ્રતિનિધિમંડળે જ્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનનો ઉલ્લેખ કર્યો તે તબક્કે ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ પણ આ મામલે સંમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, 13મા દિવસમાં પ્રવેશેલા હાર્દિકના ઉપવાસ એ અત્યંત સંવેદનશીલ બાબત છે અને સરકાર પણ હાર્દિકના આરોગ્ય મામલે સંવેદનશીલ છે. અલબત્ત કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકારે આ મામલે પોતે સંવેદનશીલ હોય તેવી કોઈ પ્રતિતિ કરાવી નથી. ઊલટાનું આ ઉપવાસ આંદોલન હવે દેશવ્યાપી મુદ્દો બની ચૂક્યો છે તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી.

અલ્પેશ સહિતના પાટીદારો સામેના કેસ પાછા ખેંચોઃ કોંગ્રેસ

મુખ્યમંત્રી રૂપાણી સાથેની વાતચીત બાદ પત્રકારોને સંબોધતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સરકારે અલ્પેશ કથિરિયા સહિતના તમામ પાટીદારો સામે જે ખોટા કેસ કર્યા છે તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવા જોઈએ. લોકશાહીમાં કોઈ વિરોધ કરે તો તેને દેશદ્રોહી ગણી લેવાની ભૂલ સરકાર ન કરે, નહીંતર તેને ભારે પડી જશે.

ખેડૂતોના દેવા માફ કરવાની પણ ઉગ્ર રજૂઆત

કોંગ્રેસે મુખ્યમંત્રીને રાજ્યના ખેડૂતોના દેવાને તાત્કાલિક અસરથી માફ કરવી દેવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસી નેતાઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, મોંઘવારી અને પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે રાજ્યનો ખેડૂત પીસાઈ રહ્યો છે. તેને પૂરતી વીજળી કે સિંચાઈનો લાભ પણ મળતો નથી અને સરકાર પોતાનો અહંકાર છોડે અને ખેડૂતોનું કલ્યાણ કરે.

પત્રકારોના સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશવા પર સરકારે મૂક્યો પ્રતિબંધ

આ માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે પત્ર લખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટાઈમ માંગ્યો હતો. આજે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રતિનિધિઓ તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ કંઈક નવાજૂની કરે તેવા એંધાણ લાગી રહ્યા હતા. સરકારે પણ સ્વર્ણિમ સંકુલમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. હાર્દિકના ઉપવાસ મુદ્દે અને ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત વેળા કોંગ્રેસ નવાજૂની કરવાના મૂડમાં હોવાથી પત્રકારોને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker